સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ મરણોત્તર સહાય યોજના અંતર્ગત મૃત્યુ પામનારા સભાસદોના વારસદારોને આર્થિક સહાય આપવામાં આવે છે. આથી મૃત્યુ પામેલા 37 સભાસદના વારસદારોને કુલ રૂ. 16.65 લાખના ચેક ચેરમેનના હસ્તે અર્પણ કરાયા હતા. વધુમાં આજથી દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરાયાની જાહેરાત પણ કરાઈ હતી. જિલ્લાનાં તમામ ગામોમાં દૂધ સહકારી મંડળીઓ રચી તેના મારફત દુધ સંપાદન થકી જિલ્લામાં શ્વેતક્રાંતિ સુરસાગર ડેરીએ સર્જી છે. આ ડેરી સાથે 1.50 લાખ પશુપાલકો જોડાયેલા છે.
આ દૂધમંડળીઓના સભાસદો પૈકી કોઈ પણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે દૂધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવાતી સભાસદ મરણોત્તર સહાય યોજના અંતર્ગત સભાસદના વારસદારને સુરસાગર ડેરી સહાય અપાય છે. આથી ચેરમેન બાબાભાઇ ભરવાડના અને મેનેજિંગ ટ્રસ્ટી ગુરદીતસીંગના હસ્તે મૃત્યુ પામનારા 37 સભાસદોના વારસદારોને રૂ. 45 હજાર લેખે કુલ રૂ. 16.65 લાખના ચેક અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ચેરમેન બાબાભાઈ ભરવાડે તા. 11-12-2022ની સવારથી ડેરીમાં દૂધ ખરીદભાવમાં પ્રતિકિલો ફેટ દીઢ રૂ.10નો વધારો કરાયો હોવાની જાહેરાત કરી હતી.
જ્યારે દૂધ સંઘના સ્વભંડોળથી ચાલતી યોજના વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, વધુમાં વધુ દુધ મંડળી સાથે જોડાયેલા તમામ ગ્રાહકોને લાભ મળે અને કોઇ પણ ગ્રાહક લાભથી વંચિત ન રહે તે માટે દૂધ સંઘ સાથે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ સંકલન રાખવું. જ્યારે મંડળીના દૂધ ભરતા ગ્રાહકને 10 વર્ષ કે તેથી નાની ઉમરની એક પશુપાલકની બે દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવામાં આવે તો પ્રથમ હપ્તા પેટે દૂધ સંઘ તરફથી 250 સહાય અપાય છે, તેનો લાભ લેવા જણાવ્યું હતુ. વધુમાં, હાલમાં પ્રાઇવેટ વેપારીઓ ડેરીઓ બનાવી દૂધ એકત્રીકરણ કરવાની કામગીરી કરે છે.
જે બાબતે ચર્ચા કરતા દૂધ સંઘ તરફથી તમામ સુવિધાઓ આપવામાં ક્યાંક ઉણપ રહી જાય તેની સામે પ્રાઇવેટ વેપારી લાભ લઈ જતા હોય છે. આથી વિવિધ યોજનાનો વધુમાં વધુ લોકોને સમજ આપવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. મેનેજિંગ ડિરેક્ટર ગુરદીતસીંગે દૂધ સંઘ સાથે જોડાયેલા તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુધનને વિમાના રક્ષણ આવરી શકાય અને વિમા પ્રીમિયમમાં દૂધ સંઘની સહાય અને લમ્પી વાઇરસ દરમિયાન દૂધ સંઘ તરફથી પશુસારવાર અને રસીકરણની માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.