સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવતા ખાસ કરીને શહેરોમાં પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. પરંતુ ગામડાઓમાં આજે પણ 10થી 15 દિવસે અનિયમિત પાણી વિતરણ થાય છે જે નરી વાસ્તવિકતા છે. ત્યારે શિયાળાની શરૂઆતે જ જિલ્લાના જળાશયોમાં માત્ર 2 મહિના ચાલે તેટલું જ પાણી રહેતા ખાસ કરીને ગામડાના લોકો માટે ઉનાળો આકરો બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો એક સમયે સૂકો મલક કહેવાતો હતો. ગામડાના લોકોને માથે બેડાં લઇને કૂવે પાણી ભરવા માટે જવું પડતું હતુ. ઉનાળાના સમયમાં તો કૂવાના પાણી પણ તળીયે જતા રહેતા હતા. ત્યારે નર્મદાના નીર આવતા શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. પરંતુ જિલ્લાના ગામડાઓમાં અને તેમાં પણ ખાસ કરીને સાયલા, ચોટીલા, મૂળી, થાન સહિતના ગામડામાં જ્યાં નર્મદાના પાણીનો ખૂબ ઓછો લાભ મળ્યો છે તેવા ગામડાના લોકોને આજે પણ પીવાના પાણીની મોટી સમસ્યા છે.
આ સમસ્યા દૂર કરવા માટે જિલ્લામાં અલગ અલગ અલગ તાલુકાઓમાં કુલ 11 જળાશયો બનાવવામાં આવ્યા છે. આ જળાશયો ચોમાસામાં છલકાઇ જાય તો ગામડામાં પીવાના પાણીની સમસ્યા ન રહે. પરંતુ આ વખતે ચોમાસમાં જિલ્લામાં સરેરાશ 20.22 ઈંચ જેટલો એટલે કે, 87.48 ટકા વરસાદ થયો હતો. 4 સપ્ટેમ્બરના રોજ આ જળાશયોમાં ચોમાસા બાદ કુલ 46.30 ટકા પાણી હતું. જેના 2 મહિનામાં જ પાણી ઘટીને 30.29 ટકા થઇ ગયું છે. આમ 2 મહિનાના ટૂંકા સમયમાં તમામ જળાશયમાંથી કુલ 16.01 ટકા પાણી વપરાઇ ગયું છે. અત્યારે શિયાળામાં જળાશયોની આવી સ્થિતિ છે ત્યારે ઉનાળામાં ગામડાના લોકોને પાણીની મુશ્કેલી સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
10 ટકા પાણી પીવા માટે અનામત રાખવામાં આવશે જિલ્લામાં જે 11 જળાશયો બનાવાયા છે. તેમાં ધોળીધજા ડેમનું પાણી લોકોને પીવા માટે જ અપાય છે. બાકીના જળાશયનું પાણી ગામડાના લોકોના પીવાની સાથે સિંચાઇ માટે પણ અપાય છે. આ જળાશયોમાં જ્યારે 10 ટકા પાણીનો જથ્થો રહેશે ત્યારે તે પાણી માત્ર પીવા માટે અનામત રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.