ભરઉનાળે ડેમ ઓવરફ્લો:સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાના કારણે ભોગાવો નદીમાં પાણી આવ્યું, કોઝવે પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી આવતા નવ દિવસ બાદ ફરીવાર ભોગાવો નદીમાં પાણી આવ્યું

બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી અને ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધોળીધજા ડેમ એક જ સપ્તાહમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે. ત્યારે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી બિન ઉપયોગી રીતે ભોગાવો નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને જેનો વેડફાટ થયો છે. તંત્રની ઘોર બેદરકારીના પગલે ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં જ પાણીનો વેડફાટ થયો છે.

એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, ચોટીલા, સાયલા અને ધાંગધ્રા પંથકમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. 2 કિમિ દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી નથી મળતું. ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીથી ધોળીધજા ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થાય છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ પણ સર્જાય છે. ત્યારે આ મામલે આયોજનમાં ખામી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે.ત્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા મુખ્ય 3 કોઝવે પણ પાણીમાં ગરકાવ બન્યા છે.અને આ કોઝવે પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર-વઢવાણના શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડતો અને સૌરાષ્ટ્રનાં શહેરોને પાણી પહોંચાડતો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નવ દિવસમાં બીજી વાર ભરઉનાળે ઓવરફલો થતાં લોકોમાં આનંદ સાથે આશ્ચર્ય ફેલાયું હતુ.

ડેમ ઓવરફલો થવાથી ભોગાવો નદીનાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે, લખતર ઢાંકી પંમ્પીંગ સ્ટેશનથી સૌરાષ્ટ્રનાં શહેરો સુધી જતી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના પાણીનો સ્ટોક વધી જતા આ પાણી છલકાઈને આસપાસના ખેતરોમાં ઘુસી ન જાય અને ખેતીને નુકશાન ન થાય તે માટે તકેદારીનાં ભાગરૂપે એસ.બી.એસ. (સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી)માંથી વધી ગયેલું પાણી ધોળીધજા ડેમમાં છોડવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો. ધોળીધજા ડેમને દરવાજા નથી અને તે ઓવરફલો થાય ત્યારે સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં પાણી આવે છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગર શહેરી વિસ્તાર આ ભોગાવો નદીના બન્ને તરફ હોઈ આ શહેરોને જોડતા કોઝવે અને બેઠા પુલ આવેલા છે. ડેમ ઓવરફલો થતા ભોગાવો નદીમાં પાણી આવતા જીલ્લા પંચાયત પાસે આવેલા કોઝવે સહીત અન્ય કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા હતા અને પરેશાન થયા હતા. બીજી તરફ ભરઉનાળે નવ દિવસમાં બીજી વાર ડેમ ઓવરફલો થતા લોકોમાં આશ્ચર્ય અને આનંદની લાગણી છવાઈ હતી. ગઈ તા. 5 માર્ચના રોજ પણ કેમ ઓવરફલો થયો હતો. અત્રે નોંધનીય છે કે, ડેમ ઓવરફલો થવાથી ભોગાવો નદીમાં જે પાણી વહ્યું જાય છે. તે એક પ્રકારનો પાણીનો વેડફાટ છે. ઉનાળો ચાલુ થયો છે, ત્યારે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી વધારાના પાણીનો નજીકના તળાવો, ચેકડેમ ભરવા ઉપયોગ થાય તો તે ગ્રામજનો માટે ઉપયોગી થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...