જોખમ:સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GIDC તરફ જવાના મુખ્ય નાળાના વળાંકમાં જ દીવાલો ન હોવાથી જોખમ

સુરેન્દ્રનગર-વઢવાણ તરફના મુખ્ય માર્ગ પર જ અડીને જીઆઈડીસી તરફ જવાનું નાળુ આવેલુ છે. જે છેલ્લા 10 વર્ષથી બંને બાજુ દિવાલ વગરનુ બિસ્માર હોવાની લોકોમાં રાવ ઉઠી છે. ના‌‌ળા નીચે જ મસમોટી ગટર તેમજ વળાંક હોવાથી પસાર થતા રાહદારીઓ -વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ દિવાલ વગરના નાળા માટે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ તરફના મુખ્ય માર્ગ પરથી જીઆઇડીસી તરફ જવાના અનેક રસ્તાઓ આવેલા છે. તો બીજી તરફ વઢવાણ જીઆઈડીસીના કારખાનાઓમાં મોટી સંખ્યામાં લોકો સહિતના કામદારો આવ-જા કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ તરફના રસ્તાને અડીને જ જીઆઈડીસી તરફ જવાનું નાળુ આવેલુ છે. આ નાળુ છેલ્લા 8 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેનો કામદારો, કર્મીઓ તેમજ મજુરો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. પરંતુ આ નાળાની બંને બાજુ સરંક્ષણ દિવાલ પણ ન હોવાથી પારાવાર હાલાકી સાથે રાહાદરીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આ અંગે ભરતભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરમાર વગેરે જણાવ્યુ કે,મુખ્ય રસ્તા પરથી જીઆઇડીસી તરફ જતા આ નાળા નીચે જ મસમોટી ગટર પસાર થાય છે. કેટલીકવાર રાત્રે રસ્તા પરની લાઇટો બંધ હોવાથી અને નાળા પરની દિવાલો ન હોવાથી સાઇકલો,બાઇકોના પણ નીચે પડવાથી અકસ્માત થાય છે. આથી જો આ નાળાની બંને તરફ દિવાલો કરવામાં આવે તો મોટી દૂર્ઘટના અટકી શકે આથી જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...