વિકાસ ઉપર માઠી અસર:સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા બનતાં 40 લાખની ગ્રાન્ટ ઘટી, 5 વર્ષે વિકાસનાં કામો માટે રૂ.2 કરોડ ઓછા આવશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી ગ્રેડની વઢવાણ પાલિકાની ગ્રાન્ટ કપાઇ

સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કર્યાને એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ નવી સંયુકત પાલિકામાં ભાજપની સ્પસ્ટ બહુમતી સાથેની બોડીનું રાજ છે. બંને પાલિકા એક કરીને વિકાસની વાતો કરવામાં આવી હતી પરંતુ બેમાંથી એક પાલિકા કરવામાં આવતા શહેરના વિકાસ માટે સરકાર દ્રારા ફાળવવામાં આવતી રૂ.40 લાખની ગ્રાન્ટમાં ઘટાડો થયાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરો છે. છતા સુરેન્દ્રનગર અને વઢવાણ બંને પાલિકા અલગ અલગ હતી.

સરકાર દ્વારા પાલિકાની વસતી અને વોર્ડને આધારે એ, બી, સી અને ડી એમ કુલ અલગ અલગ 4 ગ્રેડમાં પાલિકા જાહેર કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનરગ એ ગ્રેડની અને વઢવાણ બી ગ્રેડની પાલિકા હતી. સરકાર દર વર્ષે પાલિકાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી કરે છે. જેમાં એ ગ્રેડની સુરેન્દ્રનગર પાલિકાને રૂ.75 લાખ અને બી ગ્રેડની વઢવાણને રૂ.40 લાખની ફાળવણી કરવામાં આવતી હતી. આ રકમમાંથી શહેરીજનોની સુખાકારી માટે કામો કરવામાં આવતા હતા.

પરંતુ તાજેતરમાં બંને પાલિકાને એક કરીને સંયુકત પાલિકા બનાવી છે. ત્યારે સરકારે સંયુકત પાલિકાને એ ગ્રેડની ગણીને રૂ.75 લાખની ગ્રાન્ટ ફાળવી છે. જયારે વઢવાણનું સુરેન્દ્રનગરમાં વિલીની કરણ કરતા તેને આપવામાં આવતી રૂ.40 લાખની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. 5 વર્ષનો હિસાબ કરીએ તો રૂ.2 કરોડની ગ્રાન્ટ ઘટી જશે. જેને કારણે શહેરના વિકાસ ઉપર માઠી અસર થઇ શકે તેમ છે.

1949માં સુરેન્દ્રનગર પાલિકા બની, 2020 માં સંયુક્ત પાલિકા
સુરેન્દ્રનગર શહેર પહેલા કેમ્પ સ્ટેશન હતું. ધીરે ધીરે વસતી વધતી ગઇ, ધંધા રોજગાર પણ સ્થપાવા લાગ્યા. 1949માં સુરેન્દ્રનગરની સાથે રતનપર અને જોરાવરનગરને એક કરીને પાલિકાનો દરજજો આપ્યો હતો. થોડા વર્ષો બાદ દૂધરેજને પણ પાલિકામાં ભેળવી દેવાઈ. 22 જૂન 2020માં વઢવાણ પાલિકાને સુરેન્દ્રનગરમાં જોડીને સંયુકત પાલિકા બનાવી દીધી.

ગ્રાન્ટ વધારવા માટે ગાંધીનગર રજૂઆત કરી છે
સંયુકત પાલિકા જાહેર થતા વઢવાણની જે ગ્રાન્ટ નથી આવતી તે ગ્રાન્ટની ફાળવણી માટે અમદાવાદ ઝોન પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરાઈ છે. તેઓ પણ હકારત્ક વિચારી રહ્યા છે. આગામી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાશે. - સંજય પંડ્યા, ચીફ ઓફિસર

સંયુક્ત પાલિકાથી શહેરના વિકાસ ઉપર અસર થશે
સંયુક્ત પાલિકા જાહેર કરતા વોર્ડ મોટા થયા છે પાલિકાની વસતી પણ વધી છે. તેની સામે જો ગ્રાન્ટ ઘટે તો સ્વાભાવિક છે કે શહેરના વિકાસ ઉપર અસર થઇ શકે છે.આમા તો લોકોને જ મુશ્કેલી પડશે. - પ્રવીણભાઇ મારુ

અન્ય સમાચારો પણ છે...