મુસાફરો માફ કરજો!:સુરેન્દ્રનગર ST ડેપોમાં બસ તો છે, ચલાવનાર નથી એટલે 44 ટ્રીપ બંધ કરી છે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઇવર-કંડકટરોની ઘટના કારણે અંદાજે 44 જેટલી ટ્રીપો બંધ કરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રોષ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઇવર-કંડકટરોની ઘટના કારણે અંદાજે 44 જેટલી ટ્રીપો બંધ કરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રોષ.
  • અમે મજબૂર છીએ... સુરેન્દ્રનગર ડેપોમાં 132 ડ્રાઇવર, 132 કન્ડક્ટરની જરૂર સામે માત્ર 115નો જ સ્ટાફ

સુરેન્દ્રનગર ડેપોમાંથી એસટી બસની સુવિધા ન મળતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે હાલ કર્મીઓની ઘટના કારણે એસટી બસના સંચાલનમાં અસર પડતા અંદાજે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લાના 20થી વધુ ગામડાઓમાં એસટી બસના દર્શન દુર્લભ બન્યા છે. અને આ બાબતે ડેપો મેનેજર દ્વારા પણ રાજકોટ વિભાગીય કચેરીએ અવારનવાર જાણ કરી હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચાર ડેપોમાંથી અંદાજે 160થી વધુ બસ દોડાવીને સંચાલન કરાઈ રહ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર ડેપોમાં કર્મીઓની ઘટના કારણે સલામતીની સવારીની કેટલી ટ્રીપો બંધ હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લામાં એસટી બસોની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ અને મૂસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર ડેપોમાં જૂના સંચાલન (કોરોના પહેલાના) પ્રમાણે કુલ 63 શેડ્યુલ ચાલુ હતા અને આ શેડ્યુલ ચાલુ રાખવા માટે 142 ડ્રાઈવર અને 142 કંડક્ટરની જરૂરિયાત રહી હતી. હાલમાં આ ડેપોમાં 56 શેડ્યુલ એટલે કે 300થી વધુ ટ્રીપ ચાલુ છે. જેના સંચાલન માટે 132 ડ્રાઇવર અને 132 કંડક્ટર જોઇએ. સુરેન્દ્રનગર ડેપો ખાતે હાલમાં 109 ડ્રાઇવર, 99 કંડક્ટર અને 7 જેટલા ડ્રાઇવર કમ કંડકટર છે.પરિણામે હાલના સંચાલનમાં પણ ડ્રાઇવરની 25, કંડક્ટરની 28 જેટલી રોજીંદી ઘટ પડે છે. જેની અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થતા હાલમાં 9 શિડયુલ સાથે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યુ હતુ. આ ટ્રીપોની અસર જિલ્લાના અંદાજે 20થી વધુ ગામડાઓમાં થાય છે.

જિલ્લાના આટલા ગામડાઓમાં એસટી બસ બંધ હોવાથી ગ્રામ્યજનોને હાલ તો ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર સંજયભાઈ પરમારે જણાવ્યું કે, સ્ટાફની ઘટના કારણે શેડયુલ અને ટ્રીપો પર અસર થઇ છે. આ બાબતે રજૂઆતો પણ આવે છે જેને લઇને રાજકોટ વિભાગીય કચેરીમાં અવારનવાર લેખિત તેમજ મિટીંગોમાં પણ રજૂઆતો કરાઈ છે. નવા કંડકટરોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે. ડિસેમ્બર-2021 સુધીમાં નવા કંડકટરો આવે તો સંપૂર્ણ સંચાલન કરી શકાય તેમ છે.

પરાણે ઓવરટાઇમથી કર્મીઓ શારીરિક-માનસિક રીતે ત્રસ્ત
કર્મીઓની ઘટ અને રૂટો બંધની પરિસ્થિતિમાં અવારનવાર બધા જ રૂટો ચાલુ કરવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની ભલામણો અને રજૂઆતો આવે છે. આ પરિસ્થિતિમાં ડ્રાઇવર કંડકટરોને પરાણે પરાણે ડબલ ડ્યુટી ઓવરટાઇમ આપીને પણ હાલમાં સુરેન્દ્રનગર ડેપો ખાતે 56 શેડ્યુલ સંચાલન કરવામાં આવતુ હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જેના કારણે આવી ફરજ બજાવતા શારિરીક તેમજ માનસીક રીતે પણ તનાવ અનુભવતા હોવાની બુમરાણો ઉઠી છે.

જે સ્ટાફ છે તેમાંય 9 જેટલા કર્મી ગેરહાજર
સુરેન્દ્રનગર ડેપોમાં કર્મીની ઘટના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ છે. ત્યારે જે હાલમાં સ્ટાફ છે તેમાંથી પણ ઘણા ડ્રાઇવર-કંડકટરો સતત બીમારી સહિતના કારણે ગેરહાજર રહે છે. પરિણામે હાલની પરિસ્થિતિમાં 5 જેટલા ડ્રાઇવરો અને 4 કંડકટરો એમ કુલ 9 કર્મીઓ પણ ગેરહાજર હોવાનું બહાર આવ્યુ હતુ.

બસ ન મળવાથી અભ્યાસ પર માઠી અસર પડે છે
અમે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં અભ્યાસ માટે આવી છીએ. પરંતુ અમારા ગામમાંથી સમયસર એસટી બસ ન મળવાના કારણે શાળા કે કોલેજમાં સમયસર ન પહોંચતી શકતા અભ્યાસ પર માઠી અસર પડે છે. કોરાના બાદ શૈક્ષણિક કાર્ય ધીમે ધીમે શરૂ થયુ છે ત્યારે એસટી તંત્ર દ્વારા પણ પૂરતા સ્ટાફ સાથે બસોની વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસો પહોંચી શકે.> ચંદ્રેશ આર.સોલંકી,વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...