સુરેન્દ્રનગર જિલ્લા તોલમાપ વિભાગના મદદનીશ નિયંત્રક જે.એચ આદેસરાના માર્ગદર્શન હેઠળ નિરીક્ષક આર.એસ.રાઠોડ તથા એન.વી.ધરજીયા સહીતની ટીમ દ્વારા વર્ષ 2022માં ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી પંપ, વે-બ્રિજ તેમજ ઇલેક્ટ્રીક અને સાદા વજનકાંટાની વાર્ષિક તથા દ્વિ વાર્ષિક ચકાસણી મુદ્રાંકન ફી પેટે રૂ. 47,32,465 વસુલ કરવામાં આવ્યાં હતા.
કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે 29 ફરીયાદ મળી હતી
નિયત સમયગાળામા ચકાસણી મુદ્રાંકન ન કરાવેલ હોય તેવા 35 વેપારી સામે નિયમાનુસાર કાર્યવાહી કરી રૂ.26,000 માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવ્યાં હતા. ઓછા વજન આપવા બાબતે તેમજ પેકીંગ પર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે 29 ફરીયાદ મળી હતી. આ ફરીયાદ અન્વયે આકસ્મિક તપાસ કરતા 26 એકમો સામે ઓછા વજન આપવા બાબતે રૂ. 35,250 માંડવાળ ફી તેમજ 41 એકમો સામે વધુ ભાવ લેવા બાબતે રૂ. 88,000 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી.
એકમો સામે કડક કાર્યવાહી
આ ઉપરાંત ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઈન ઈ - કોમર્સ પ્લેટ ફોર્મ પર તેમજ અન્ય સાઇટ પર વેચાણ અર્થે મૂકવામાં આવતી પ્રોડક્ટ દ્વારા અધુરા નિદર્શન દર્શાવવા બદલ તેમજ પી.સી.આર.નિયમ / કલમ ભંગ બદલ 10 એકમો સામે કાર્યવાહી કરી રૂ. 3,81,000ની માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. તોલમાપ ધારાની અન્ય કલમના ભંગ બદલ 49 એકમો સામે નિયમાનુંસાર કાર્યવાહી કરીને 1,23,500 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. વર્ષ- 2022માં કુલ 161 એકમો સામે નિયમ / કલમ ભંગ બદલ કાર્યવાહી કરી કુલ રૂ. 6,53,750 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.