પાલિકાની ટીમનો લક્ષ્યાંક:સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાનો સ્વચ્છતા સરવેમાં 166 નંબર, ગયા વર્ષે 288 હતો

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વર્ષે 100ની અંદરનો રેન્ક લાવવાનો પાલિકાની ટીમનો લક્ષ્યાંક

સમગ્ર દેશમાં મોદી સરકાર સ્વચ્છતા ઉપર ભાર મુકી રહી છે. અને તેના માટે શહેરોને મોટી રકમની ગ્રાન્ટ અને જુદી જુદી યોજનાઓ પણ આપી છે. શહેરોમાં સ્વચ્છતાની કેવી કામગીરી થઇ છે તેનો દર વર્ષે સરવે કરીને નંબર જાહેર કરાય છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાએ ગત વર્ષની સરખામણીએ નંબર મેળવવામાં 122 નંબરની છલાંગ મારી છે. ગત વર્ષે 372 શહેરમાંથી સુરેન્દ્રનગર પાલિકાનો 288 નંબર આવ્યો હતો. જેમાં સફળતા મેળવીને આ વર્ષે 166મો નંબર મેળવ્યો છે.

સ્વચ્છતા બાબતે એકબીજા શહેરોની હરિફાઇ કરાવીને સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સરવે કરવામાં આવે છે. જેમાં રોડ રસ્તાની સફાઇ, કોમર્શિયલ બિલ્ડિંગોની સફાઇ, શૌચાલયો, ભૂગર્ભ ગટર સહિતના જુદા જુદા પાસાને ધ્યાનમાં લઇને જાન્યુઆરી મહિનાથી સ્વચ્છતા સરવે કરવામાં આવે છે. નવેમ્બર મહિનાની આજુબાજુ તેના પરિણામો જાહેર કરાય છે. આ વર્ષે સરવેના જાહેર કરેલા પરિણામમાં સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાએ પ્રગતિ કરીને 166મું સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે સુરેન્દ્રનગરનો 288મો નંબર હતો. જે જોતા સફાઇની બાબતમાં પાલિકાએ આ વર્ષે 122ની છલાંગ મારી છે. આ બાબતે પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય તથા સેનિટેશન ખાતાના ચેરમેન હંસાબેન હરીલાલ સોલંકીએ પાલિકામાં સેનિટેશનના સ્ટાફ સાથે બેઠક કરી હતી. અને શહેરમાં કોઇ જગ્યાએ ગંદકી ન રહે તે જોવા ખાસ તાકીદ કરી હતી. આટલું જ નહી પરંતુ હવે આવતા વર્ષે સર્વેમાં 100ની અંદર નંબર આવે તેવુ આયોજન કરીને કામગીરી કરવા માટે તૈયાર રહેવા સ્ટાફને સૂચના આપી હતી.

6 હજાર પરીબળો જોઇને નંબર મળે છે
શહેરી વિસ્તારના લોકોની સાથે પાલિકાના સંચાલકો પણ સ્વચ્છતાનું મહત્વ સમજે માટે આ સરવે કરાય છે. જુદા જુદા 6 હજાર પરિબળો જોઇને નંબર આપવામાં આવે છે.

1 લાખથી વધુ, 10 લાખથી નીચેની વસ્તીવાળા શહેરોનો સરવેમાં સમાવેશ
સમગ્ર દેશમાં જુદા જુદા 4 ઝોન બનાવીને સ્વચ્છતાનો સરવે કરાય છે. જે શહેરની વસ્તી 1 લાખથી વધુ અને 10 લાખથી નીચે હોય તેવા શહેરોનો આમા સમાવેશ કરવામાં આવે છે. આપણા ઝોનમાં કુલ 372 સિટી હતા. જેમાંથી આપણે 166મો નંબર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...