રજૂઆત:સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહિત પડતર પ્રશ્નોને લઈ ધરણા યોજી ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટડી અને ચોટીલા સહિત જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકો ધરણામાં જોડાયા હતા
  • પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધારાસભ્ય નૌશાદ સોલંકીને રજૂઆત કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ચોટીલા સહિત જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ તેમજ શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્ને ધરણા સાથે ધારાસભ્યને લેખીત આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકો પણ ધરણામાં જોડાયા હતા.

આજ રોજ તા,14ને ગુરુવારે સવારે 9 (નવ) વાગ્યે ડૉ.ભીમરાવ આંબેડકર જન્મ જયંતિના દિવસે દસાડા પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે પાટડી બીઆરસી ભવન ખાતે એકઠા થયા બાદ સૌ સાથે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી, પુષ્પ અર્પણ કરી અને નમન કરી, શિક્ષકોના હક્ક અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે ધારાસભ્ય નૌશાદ સોલંકીને લેખીત આવેદન પત્ર આપ્યું હતું. જેમાં શિક્ષક સંઘના કારોબારી મિત્રો, કાર્યક્ષેત્રમાં આવતી પે,સે, શાળા,પેટા શાળાના તમામ આચાર્યો, શિક્ષકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

ડૉ. ભીમરાવ આંબેડકર જન્મ જયંતિના દિવસે ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે બી.આર.સી.ભવન - ચોટીલા મુકામે સુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘના સંગઠન મંત્રી ડૉ. દિપેન્દ્ર ધાંધલ, પ્રમુખ ઘનશ્યામ મેણીયા, મંત્રી સામત પરમાર, થાનગઢ તાલુકા પ્રા.શિ.સંઘ તાલુકા પ્રમુખ મનસુખ, મંત્રી દશરથ, જિલ્લા કારોબારી સભ્યો, તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા ચોટીલા મત વિસ્તારના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. તેમજ ધરણાં કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે જૂની પેન્શન યોજના માટેના વિવિધ નારાઓના જય જયકાર સાથે આપણા હિતની અને અધિકારની લડાઈ માટે આવતા સમયમાં પણ અસરકારક લડત આપવાનો હુંકાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...