કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા ઝાલાવાડવાસીઓ નિરાંત અનુભવી રહ્યા છે. જોકે, ફરી કોરોનાના આગમનના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગે દરરોજ થતા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા આદેશ કર્યો છે. પહેલા જયારે 100થી વધુ ટેસ્ટ થતા હતા, તેની સંખ્યા હવે વધારીને 300 થી 400 કરી દેવામાં આવી છે.
RT-PCR અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારવા સૂચના
રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના નવા કેસમાં વધારો થતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. જિલ્લા આરોગ્ય અધીકારી ડો. ચંદ્રમણીકુમારના જણાવાયા મુજબ, જિલ્લા વિકાસ અધીકારી કે.સી.સંપતના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારવાની સૂચના આપી દેવાઈ છે.
જિલ્લામાં છેલ્લે માર્ચ મહિનામાં એક કેસ સામે આવ્યો હતો
જિલ્લામાં પહેલા 100થી વધુ ટેસ્ટ થતા હતા, તેની સંખ્યા હવે વધારીને 300 થી 400 કરી દેવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દરેક દર્દીના હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ કોરોનાની રસી મુકવાની કાર્યવાહી પણ ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 15 માર્ચના રોજ કોરોનાનો એક કેસ ધ્યાને આવ્યો હતો. ત્યાર બાદથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. છેલ્લી લહેરમાં કોરોનાના કુલ કેસ 1963 થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.