ગુનેગારોની હવે ખૈર નથી:સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ચોરી અને છેડતીના વધતા જતા બનાવોને ધ્યાનમાં લઇ કાયમી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ચોરી, લૂંટફાટ અને છેડતીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. બસ સ્ટેન્ડમાં દરરોજ ત્રણથી ચાર લોકોના ખીસ્સા કપાય છે અને વસ્તુની ચોરી થઈ રહી છે. આ ઉપરાંત સાંજના સમયે શાળા કોલેજો છૂટે ત્યારે આવરાતત્વો બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થિનીઓની છેડતી કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યાં છે. આ મામલે જિલ્લા પોલીસ વડાને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે કાયમી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બસ સ્ટેન્ડમાં અવરજવર કરનારા લોકો ઉપર વોચ રાખશે
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બસ સ્ટેન્ડમાં બંદોબસ્ત ગોઠવી અને આવારાતત્વોની ધરપકડ કરવા અને તેમની વિરૂદ્ધમાં કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હવેથી દરરોજ ત્રણ હોમગાર્ડની નોકરી બસ સ્ટેન્ડમાં રહેશે, અને આ ત્રણ હોમગાર્ડ સતત બસ સ્ટેન્ડમાં અવરજવર કરનારા લોકો ઉપર વોચ રાખશે. જો શંકા જણાય તો તેમની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરશે. ત્યારબાદ જો પૂછપરછ અથવા કોઈ પુરાવા રીતે જો કોઈ ગેરરીતી સામે આવશે તો તેના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
આવારાતત્વોને પાઠ ભણાવવામાં આવશે
આ ઉપરાંત બસોમાં લોકોના કપાતા ખીસ્સા તેમજ બસોમાં થતી લૂંટ મામલે પણ સતત વોચ રાખવામાં આવશે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ આ ત્રણ હોમગાર્ડ સતત પેટ્રોલિંગ હાથ ધરી અને કામે લાગશે. બીજી તરફ શાળા કોલેજો છૂટતી હોય છે, ત્યારે બસ સ્ટેન્ડમાં આવારાતત્વો શાળા કોલેજ ઘરે પરત ફરી રહેલી ગ્રામીણ વિસ્તારની દીકરીઓની છેડતી કરતા હોય છે. તેવા આવારાતત્વોને પાઠ ભણાવવામાં પણ પોલીસ હવે સતર્ક બનશે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હવેથી બસ સ્ટેન્ડમાં ગોઠવી દેવામાં આવ્યો છે. હોમગાર્ડમાં તાજેતરમાં ભરતી થયેલા પૂજાબેન વંદનાબેન અને સિનિયર જોશીભાઈની નિમણૂક બસ સ્ટેન્ડમાં હોમગાર્ડ તરીકે કરવામાં આવી છે અને સતત દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...