ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે અને સંયુક્ત નગરપાલિકાએ દર વખતની જેમ આ વખતે પણ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો છે અને આ વખતે પણ સુરેન્દ્રનગરના રહીશોને વરસાદી પાણીની સમસ્યા વેઠવી જ પડશે! કારણ કે પાલિકાએ વર્તમાન સ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખ્યા વિના જ એક્શન પ્લાન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે.
આ વર્ષે પાણી ન ભરાય તે માટે પાલિકાએ 40 કર્મચારી, 2 જેસીબી અને ટ્રેક્ટર સહિતનાં સાધનોથી વરસાદી પાણીના નિકાલ માટે આગોતરું આયોજન કરીને ગટરોની સફાઈ કરવાનું ચાલુ કરી દીધુ છે પરંતુ ખાસ કોઈ નવો અને અસરકારક પ્લાન બનાવવામાં ન આવતાં ચોમાસના સમયમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહેવાની સ્થિતિ સર્જાય તેવો ઘાટ સર્જાયો છે. પાલિકા દર વર્ષે પ્રિ મોન્સુનની કામગીરી કરે છે છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી જ રહેશે.
વરસાદના એકસાથે પડતા 2થી 3 કલાક રાહ પાણીના નિકાલ માટે જોવી જ પડશે
ચોમાસના સમયમાં સામાન્ય રીતે એકસાથે હજારો લીટર પાણી પડી જતું હોય છે. તેની સામે પાણીનિકાલ માટે પાલિકાએ બનાવેલી ગટરો અને પાઇપલાઇન નાની પડી જાય છે. આથી આ પાણીનો ભરાવો થઈ જાય છે. આ વર્ષે પણ આવા પાણીના નિકાલ માટે લોકોએ 2થી 3 કલાક તો રાહ જોવી જ પડશે.
અત્યારે ચેમ્બરની જ સફાઇ થાય છે પાઇપમાં પાણી ભરાય ત્યારે ખબર પડશે
વર્તમાન સમયે પાલિકા જે સફાઈ અભિયાન કરી રહ્યું છે, તેમાં ખાસ કરીને ખુલ્લી ગટરોની સફાઈને સાથે ભૂગર્ભ ગટરની ચેમ્બરની સફાઈ કરીને તેમાંથી કચરો કાઢે છે પરંતુ પાઇપલાઇન ચોક-અપ હોય તે તો વરસાદ પડે પછી જ ખબર પડશે. આમ અત્યારે મહેનત કરવા છતાં ચોમાસામાં તો પાલિકાએ પાણી નિકાલ માટે દોડવું જ પડશે.
પ્રાઇવેટ પ્લોટમાં ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ જ નથી
શહેરમાં એક વરસાદ પડ્યા બાદ ખાસ કરીને પ્રાઇવેટ પ્લોટમાં પાણી ભરાવાની સમસ્યા છે. પ્લોટના માલિકો પાણીના નિકાલની વ્યવસ્થા કરતા નથી. ખાનગી પ્લોટ હોય એટલે પાલિકા કામગીરી કરી શકતી નથી. આવા સંજોગોમાં પાલિકા પ્લોટ માલિકને નોટિસ આપીને સંતોષ માને છે. લોકો સમસ્યાનો સામનો કરતા રહે છે.
જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં ગટરની વ્યવસ્થા કરી છે
‘ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે અને આથી પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સફાઈની કામગીરી હાથ ધરી છે, જેમાં ખાસ કરીને જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી તેવા વિસ્તારોમાં ગટરો બનાવી છે. ઉપરાંત વરસાદ પડે ત્યારે પણ પાણીના નિકાલ માટે મશીન સહિતની તૈયારીઓ કરી દેવામાં આવશે.’ - કયવંતસિંહ હેરમા, એન્જિનિયર, પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.