સાયલાથી 12 કિ.મી. દૂર આવેલા 15 હજારની વસ્તી ધરાવતા સુદામડા ગામના ગ્રામજનો હાલ પાણી વગર વલખા મારી રહ્યા છે. અહીના ગ્રામજનોને સરકારની કોઈપણ યોજનામાંથી પાણી ન મળતાં ભારે હાલાકી ભોગવી દૂર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે અને હાલમાં સ્થિતિ એટલી ગંભીર છે કે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બગાડીને પહેલા પાણી ભરવા જાય છે. હાલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખાણમાંથી જે કાંઈ બચ્યું હોય તેટલું પાણી સંપમાં આપી અને લોકોને પૂરું પડાઈ રહ્યું છે.
સાયલા તાલુકાની મોટી વસ્તી ધરાવતું સુદામડા ગામ જેમાં માત્ર એક ઢેઢુકી જુથ યોજના હતી. જે છેલ્લા પાંચ વર્ષથી તેમાં નર્મદાનું પાણી આપવામાં આવતું હતુ, તે પણ હાલમાં બંધ છે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમથી છ જેટલા જિલ્લાઓને પાણી આપવામા આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક એવા ગામો છે કે, જ્યાં કોઈ યોજનાનો લાભ નથી. અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગામને વાસ્મો યોજનાનો પણ લાભ મળ્યો છે. 35,000 લિટરની પાણીની ટેંકો પણ બનાવવામાં આવી છે. પરંતુ કોઈ પણ યોજનામાંથી પાણી નહીં મળતા ટેન્કો પણ ખાલીખમ પડ્યા છે. આ ગામની આજુબાજુમાં પથ્થરની ખાણો મોટા પ્રમાણમા આવેલી છે. જેમાં પાણી ભરાતા ગ્રામ પંચાયત દ્વારા તે તમામ ખાણોમાંથી થોડું થોડું પાણી લઈ અને ગામમાં વિતરણ કરવાની વ્યવસ્થા છે. પણ ગત વર્ષે વરસાદ નહીવત હોવાને કારણે હાલ ખાણો પણ ખાલી પડી છે. જેથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.
પાણી પુરવઠા વિભાગ પાસે સરપંચ દ્વારા 3000 ફૂટની પાઇપ લાઈનની માંગણી કરવામાં આવી છે. જોતે પાઇપલાઇન આપવામાં આવે તો દૂર ખાણમાંથી બે મહિના ચાલે તેટલું પાણી લાવી ગામમાં વિતરણ કરી શકાય. હાલ ઉનાળાની શરૂઆતથી જ ગામમાં પાણીની બુમરાડ ઊઠી છે. ત્યારે આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે તે સમય જ બતાવશે. હાલમાં અવાડાઓ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. સુદામડા ગામે આવેલું ખારા નામનું તળાવ વર્ષોથી ભરવાના ઠાલા વચનો રાજકીય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ તે તળાવ ખાલીખમ હાલતમાં પડયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.