લખતર તાલુકાના વણા-મોઢવાણા રોડ ઉપર આવેલા સીમમાં સબ માઈનોર કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લીધે ખેડૂતોમા ભારે રોષ ફેલાયો હતો. અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ કાર્યવાહી ન કરતા ખેડૂતોને ભોગ બનવાનો વારો આવ્યો હતો.
સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે માટે સબ માઈનોર કેનાલ બનાવવામાં આવી છે અને નર્મદા નહેરને જીવાદોરી ગણવામાં આવે છે. પરંતુ હાલમાં તેની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ રહી છે. લખતર પંથકમાં બનેલી સબ માઇનોર કેનાલ અંગે અનેક ફરિયાદો ઉઠી છે. ક્યારેક સબ માઈનોર કેનાલમાં ગાબડું પડે છે, તો ક્યાંક કેનાલ લિકેજ હોય છે. તો ક્યાંક કેનાલ ઓવરફલોના બનાવો બની રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના વણા-મોઢવાણાની સીમમા આવેલી સબ માઈનોર કેનાલ ઓવરફ્લો થઈ હતી.
જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ અંગે ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે, અનેકવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા સમયસર કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવતા હવે તેનો ભોગ ખેડૂતોને બનવુ પડ્યું છે. આમ, તંત્રના વાંકે ખેડૂતોને ભોગવવાનો વારો હોય તેવો ઘાટ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.