ડરને દુર કરી વેક્સિનેશનમાં જોડાયા:સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૂ, બાળકોએ કહ્યુ- રસી લેવામાં થોડો ડર હતો પરંતુ પ્રાંત અધિકારીએ પોતાની દિકરીને રસી લેવડાવી પ્રોત્સાહન પુરૂ પાડ્યું

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • જિલ્લામાં 333 શાળામાં 33,800 વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી પુરજોશમાં શરૂ
  • કોરોનાની રસી હજી સુધી ના લીધી હોય એ તમામ ઝડપથી રસી લઈ લે એના પર વિદ્યાર્થીઓએ ભાર મૂક્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સોમવારથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું આરોગ્ય વિભાગ દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી અને સરકારી શાળાના 15થી 18 વર્ષના 33,800 વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના 680 કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે, તેઓને રસી લેવામાં પહેલા થોડો ડર લાગતો હતો પરંતુ પ્રાંત અધિકારી રૂતુરાજસિંહ જાદવે હાઇસ્કુલમાં પોતાની દિકરીને કોરોનાની રસી લેવડાવી પ્રોત્સાહન પુરૂ પાડતા શાળ‍ાના તમામ વિદ્યાર્થીઓએ કોરોના રસીકરણની ક‍ામગીરીમાં ઉત્સાહભેર ભ‍ાગ લીધો હતો.

દિવ્યભાસ્કરની ટીમે જિલ્લાની વિવિધ સ્કૂલોની મુલાકાત લઈ ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કર્યો હતો. આજે વહેલી સવારે 9 વાગ્યાથી વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શ્રી સુરજમલજી હાઇસ્કૂલમાં પ્રાંત અધિકારી રૂતુરાજ જાદવ, મામલતદાર કે.એસ.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણ અને હાઇસ્કુલના આચાર્ય ઉપેન્દ્ર સથવારા સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી બપોરે 12 વાગ્યા સુધીમાં 350થી વધુ વિદ્યાર્થીઓને કો વેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આ અંગે અર્બન હેલ્થ ઓફિસર ડો.સ્મિતાબેન પરમારે જણાવ્યું કે, જિલ્લાના પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં 15થી 18 વર્ષના એટલે કે 2004થી 2007 વચ્ચે જન્મેલા બાળકોને કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલુ છે. હાઇસ્કુલમાં 1025 વિદ્યાર્થીઓને આજે રસીકરણ કરવામાં આવશે. પાટડીની 6 સ્કૂલો અને 2 કોલેજો મળી કુલ 2135 વિદ્યાર્થીઓને સાંજના પાંચ વાગ્યા સુધીમાં કો-વેક્સિન રસી આપવામાં આવશે.

આ અંગે શ્રી સુરજમલજી હાઇસ્કુલના આચાર્ય ઉપેન્દ્ર સથવારાએ જણાવ્યું કે, સવાર 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં હાઇસ્કુલના 350 જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ હાઇસ્કુલના કુલ 960 વિદ્યાર્થીઓમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોને રસી આપવા તૈયાર થયા ન હતા જેથી તેઓને સમજાવવાની કોશીશ ચાલુ જ છે.

આ અંગે રસી લેનારા હાઇસ્કૂલના વિદ્યાર્થી કિરણ પરમારે જણાવ્યું કે, આજે અમારી શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં કોરોના રસી લેવામાં થોડો ડર હતો. બાદમ‍ાં પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવે હાઇસ્કુલમાં પોતાની દિકરીને કોરોનાની રસી લેવડાવી પ્રોત્સાહન પુરૂ પાડતા શાળ‍ાના તમામ વિદ્યાર્થીઓએ કોરોના રસીકરણની ક‍ામગીરીમાં ઉત્સાહભેર ભ‍ાગ લીધો હતો. જે લોકોએ કોરોનાની રસી હજી સુધી ના લીધી હોય એ તમામ વ્યક્તિ ઝડપથી કોરોનાની રસી લઈ લે એના પર શ‍ાળાના વિદ્યાર્થી કિરણ પરમારે ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...