તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું જતન:વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકોએ 3 વર્ષમાં 400થી વધુ વૃક્ષ વાવ્યા

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણની સી.યુ. શાહ સરકારી  પોલીટેકનીકમાં 1000થી વધુ વૃક્ષોનું જતન કરાય છે. - Divya Bhaskar
વઢવાણની સી.યુ. શાહ સરકારી  પોલીટેકનીકમાં 1000થી વધુ વૃક્ષોનું જતન કરાય છે.
  • જિલ્લાની એકમાત્ર વઢવાણની સી.યુ. શાહ સરકારી પોલિટેકનિકમાં 1000થી વધુ વૃક્ષોનું જતન થાય છે

સુરેન્દ્રનગર જિલ્લાની એકમાત્ર સી.યુ. શાહ સરકારી પોલીટેકનીક એન્જિનયરીંગ કોલેજ વઢવાણ-મૂળચંદ રોડ પર આવેલી છે. આ સંસ્થામાં અલગ અલગ વિદ્યાશાખામાં 1075 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ માટે અહીં મીકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ઓટોમોબાઇલ, સીવીલ,કમ્પ્યૂટર,સીડીડીએમ વિભાગમાં 108 વ્યાખ્યાતાઓ અને સહાયક કર્મચારીઓ કાર્યરત છે.

આજે આ સંસ્થાના એક અલગ જ પાસાની વાત કરવાની છે. તકનીકી અભ્યાસની સાથે સંસ્થાના કર્મચારી અને વિદ્યાર્થીઓની પર્યાવરણ અંગેની જાગૃતતા આ સંસ્થાના કેમ્પસની મુલાકાત લેતા ઉડીને આંખે વળગે તેવી છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પસમાં વર્ષોના અથાગ પ્રયત્નોથી 1000થી પણ વધારે વૃક્ષોનું જતન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં નવા 400થી વધુ વૃક્ષોની રોપણી અને જાળવણી કાર્ય ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછી વૃક્ષોની ઘનતા ધરાવતા ઝાલાવાડ પ્રદેશમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષોનું જતન ખુબ સરહાનીય છે.

અત્રે આવેલા વૃક્ષોની પસંદગી પણ વિવિધતાસભર છે. આ અંગે સંસ્થાના પર્યાવરણપ્રેમી અધિકારી જે.પી. અમરકોટીયાએ જણાવ્યું કે, આટલા પ્રમાણમાં વૈવિધ્યસભરવૃક્ષો એક જ કેમ્પસમાં મળવા ખુબ જ દુર્લભ છે. જ્યારે સંસ્થાના વડા બી.એચ.કાટેવાલાએ જણાવ્યું કે, સંસ્થા પર્યાવરણની જાળવણી માટે કટીબધ્ધ છે અને વિદ્યાર્થીઓ તકનીકી શિક્ષણની સાથે પર્યાવરણનું સંતુલન પણ સમજે તે માટે પ્રયત્નશીલ છે. સમગ્ર કાર્ય માટે સંસ્થાના યુવા અધિકારીઓ વાય.જે.જાદવ, બી.એમ.દેગામા, એમ.જી.સોલંકી, બી.ડી.લીંબાસીયા, દિગ્વિજયસિંહ ચાવડા વિદ્યાર્થીઓને સાથે રાખીને જાળવણીની ઉમદા કામગીરી કરે છે. આવનાર સમયમાં સમગ્ર ઝાલાવાડ આ સંસ્થા પાસેથી પ્રેરણા મેળવે અને પંથકને હર્યોભર્યો બનાવવા કમર કસે તેવી સંસ્થાએ અપીલ કરી હતી.

પર્યાવરણ પ્રેમ કેળવાય તેવુ વાતાવરણ તૈયાર કરાયું છે
અહીં ઉપલબ્ધ વિવિધતાસભર વૃક્ષો વિવિધ પ્રજાતીના પક્ષીઓ માટે રહેઠાણ, ભોજન અને સલામત વાતાવરણ પુરૂ પાડે છે. જેના કારણે આ કેમ્પસમાં વર્ષ દરમિયાન હજારો પક્ષીઓ અલગ અલગ ઋતુમાં જોવા મળે છે. જેમાં કબુતર, ચકલી, કાબર, પોપટ, ઢોરબંગલો, કાણીબગલી, કાળીદેવ, સનબર્ડ,હોલો, ઘંટીટાંકણો, ટુકટચુકીયો કંસારો જેવા સ્થાનીક પક્ષીઓ ઉપરાંત શકરોબાજ, મધીયોબાજ જેવા શિકારી પક્ષીઓ, ચીબરી, રેવીદેવી ઘુવડ જેવા નીશાચર પક્ષીઓ ઉપરાંત કાળી કાકણસાર, નાની કાકણસાર, ધોળીકાકણસાર,ચમડી જેવા પક્ષીઓની હાજરી પણ અત્રે નોંધાયેલી છે. ટુંકમાં કહીએ તો આ સંસ્થા તકનીકી શિક્ષણની સાથે સાથે એક પર્યાવરણ પ્રેમ કેળવાય તેવુ સંપૂર્ણ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યુ છે. > દિગ્વિજયસિંહ ચાવડા, સંસ્થાના અધિકારી અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર

કેમ્પસમાં આ વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે
લીંબડો,ખીજડો, પેલ્ટા, વડ, પીપળ, ગરમાળો, ગુલમહોર, બોરસલી, ઉમરો, કણજી, કાસીદ, સીરસ જેવા વિશાળકાય વૃક્ષો, જાંબુ, જામફળી, ગંદી, ખારેક, સેતુર, રાવણા જાંબુ જેવા ફળાવ વૃક્ષો, એડેનીયમ, ચંપો, દેશી મહેંદી જેવા સુશોફનના ફુલછોડ, તુલસી, અરડુસી, કરેલ, હાથીસૂંઢરા, મામેજો, જેવા ઔષધીય છોડ, વનસ્પતીનું જતન કરવામાં આવ્યુ છે.

ડ્રીપ ઇરિગેશન અને ફૂવારા પદ્ધતિનો ઉપયોગ
આ વૃક્ષોના જતન માટે સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલો અભિગમ પણ ખૂબ જ સરસ છે. અહીં વૃક્ષોને ડ્રીપ ઇરિગેશન તેમજ ફુવારા પદ્ધતિથી પાણી પૂરું પાડવામાં આવે છે. જેથી કરીને પારસ કરતા પણ કિંમતી એવા પાણીનો ખોટો બગાડ વ્યય ન થા. આ પદ્ધતિના કારે તેઓ કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં વૃક્ષો ઉછેર કરે છે.

અન્ય સમાચારો પણ છે...