આત્મનિર્ભર ભારત યોજના:સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રૂપિયા 20 હજારની લોન મળશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારાને પ્રોત્સાહન રૂપે રૂ.1200 આપવામાં આવશે

ધ્રાંગધ્રા નગરપાલિકા સ્થિત સરકારના એન.યુ.એલ.એમ. વિભાગ મારફતે આ વર્ષે શહેરના શેરી ફેરિયાઓને પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત વ્યાજમાં 7 ટકા સબસીડી સહાયથી રૂપિયા 20 હજારની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોવિડ-19ની પ્રથમ લહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને ધ્યાને લઇ લોકડાઉનને લંબાવવામાં પણ આવ્યું હતું. જેના કારણે રોજે રોજનું કમાઈને જીવન નિર્વાહ કરતા શેરી ફેરિયાઓની હાલત કફોડી બની હતી.

આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ શેરી ફેરીયાઓને શહેરની વિવિધ બેંકો મારફતે વ્યાજમાં 7 ટકા સબસીડી સહાયથી રૂપિયા 10 હજારની લોન આપવાનું શરૂ કરાયું હતું. જેનો શેરી ફેરિયાઓને લાભ મળ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે જૂન મહિનાથી સરકાર દ્વારા રૂપિયા 10 હજારની જગ્યાએ રૂપિયા 20 હજારની લોન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ લોનના પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયા છે, તેવા તમામ ફેરિયાઓને પણ બેંક દ્વારા રૂપિયા 10 હજારની લોન મળી શકશે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારને રૂપિયા 1200/- પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે.

ઉપરોક્ત યોજનાનો લાભ લેવા ઈચ્છતા ફેરિયાઓએ શેરી ફેરિયા કાર્ડની નકલ, શેરી ફેરિયા સર્ટીફીકેટની નકલ, આધાર કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો અગાઉ રૂપિયા 10 હજારની લોન લીધી હોય તો તે લોન પુરેપુરી ભરાયેલી છે તેનું બેંક સર્ટિફિકેટ / બેંક નોડ્યુ સર્ટીફીકેટ અને અગાઉના LOR દાખલા જેવા જરૂરી આધારો સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરીમાં બપોરે 12 થી 1:30 સુધી તથા બપોરના 3 થી 5 વાગ્યા સુધીમાં યોજના શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...