સુરેન્દ્રનગરમાં રહેતા સરકારી કર્મીના પુત્રને સાવકી માતાએ તા. 6 ફેબ્રુઆરી 2018ના રોજ જીવતા બેગમાં પુરી દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં સાવકી માતા હાલ જેલવાસ ભોગવી રહી છે. ત્યારે ડિપ્રેશન રોગથી પીડાતી કાચા કામની મહીલા કેદીએ દવાનો ઓવરડોઝ લઈ લેતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવાઈ હતી.
હિન્દુ ધર્મમાં માતાને ભગવાન કરતા ઉંચો દરજજો અપાયો છે. કહેવાય છે કે, ભગવાન દરેક સ્થળે ન પહોંચી શકતા હોય તેઓએ માતાનું નિર્માણ કર્યુ છે. પરંતુ માતા જ જ્યારે કુમાતા બની જાય છે. ત્યારે સમાજ તેને તિરસ્કારની ભાવનાથી જુએ છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં વર્ષ 2018માં બન્યો હતો. સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા અને બહુમાળી ભવનમાં આસીસ્ટન્ટ કમિશનર ઓફ લેબરની કચેરીમાં ફરજ બજાવતા શાંતિલાલ પરમારના પ્રથમ પત્ની ડીમ્પલબેનનું અવસાન થતા તેઓએ બાળક ભદ્રને માતા મળે તે માટે અમદાવાદની જીનલ સાથે બીજા લગ્ન કર્યા હતા.
જીનલના આ ત્રીજા લગ્ન હતા અને તે તેની સાથે એક પુત્રીને લઈ આવી હતી. અને શરૂઆતમાં શાંતીલાલના અગાઉના પુત્ર ભદ્રને જીનલ પણ દીકરા જેમ રાખતી હતી. લગ્નના થોડા સમય બાદ જીનલને ભદ્ર પ્રત્યે ધૃણા થવા લાગી હતી. તા. 6 ફેબ્રુઆરી 2018ના રોજ આ ધૃણાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા જીનલે માસુમ ભદ્રનું મોં અને હાથ-પગ બાંધી દઈ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો. અને ભદ્રનું મોત થયુ હતુ. આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે હત્યારી માતા જીનલની ધરપકડ કરી હતી. હાલ જીનલ સુરેન્દ્રનગરની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહી છે.
બીજી તરફ તે ડિપ્રેશનથી પીડાય છે. અને તેની અમદાવાદ તથા રાજકોટ સારવાર ચાલી રહી છે. જેમાં થોડાક દિવસ પહેલા જીનલે રોજીંદી લેવામાં આવતી ડિપ્રેશનની ટીકડીઓ કરતા વધુ ટીકડીઓ ખાઈ લીધી હતી. આથી તેને જેલ સ્ટાફ દ્વારા સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંથી ડોકટરોએ તેને રાજકોટ રીફર કરતા એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા તેને જાપ્તા સાથે રાજકોટની હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. જોકે, હાલ જીનલની તબીયત સ્થીર હોવાનું જેલ સત્તાવાળાઓ તરફથી જાણવા મળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.