ચોટીલા જલારામ મંદિર ખાતે અમદાવાદની આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા 55થી 80 વર્ષના વડીલો માટે પરિચય પસંદગી મેળા સમું એક અનોખું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં તેમને મહદઅંશે સફળતા પણ મળી છે. ઝાલાવાડના ચામુંડા માતાની પવિત્ર ભૂમિમાં તાજેતરમાં ત્રણ દિવસનું 55થી 80 વર્ષના ધર્મ જ્ઞાતિના ભેદભાવ વિના એકલવાયા વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલન યોજાયું હતું, જેમાં ભાગ લેનારનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ અનોખા સંમેલનમાં ઢળતી ઉંમરના સાથી શોધવા રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી, યુ.પી, કલકત્તા, ગુજરાતના 150 પુરૂષો અને 50 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા એકબીજાનો પ્રેમ અને હૂંફ મેળવવાના હેતુસર યોજાયેલા સંમેલનમાં એક પુત્ર તેના પપ્પાને લઈને મમ્મીની શોધમાં તો એક દીકરી તેના પતિ સાથે મમ્મીને લઈને પપ્પા શોધવા આવી હતી. ચોટીલાના સંમેલનમાં ખાસ સુરેન્દ્રનગર ડેપ્યુટી કલેક્ટર આર.બી.અંગારી, જલારામ મંદિરના ટ્રસ્ટી દામજીભાઇ રાઠોડ, નટુભાઈ કોટેચા (રાજકોટ) ભૂપતભાઇ રવેશીયા (મોરબી) પ્રવિણભાઇ સુતરીયાએ (સુરત) ખાસ ઉપસ્થિત રહીને ક્રાન્તિકારી આયોજનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકલવાયા વડીલો માટે રમત ગમત, મનોરંજન કાર્યક્રમો સાથે મનગમતા પાત્રોની પસંદગી થઈ શકે તે માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાનો આ અમારા નવતર પ્રયોગમાં કોઈ ધર્મ જ્ઞાતિના ભેદભાવ નથી. ડિવોર્સી, વિધવા અને વિધૂર સ્ત્રી-પુરૂષો માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ચોટીલા ખાતે યોજાયેલા આ સંમેલનમાં 5 યુગલોએ પારિવારિક બંધનથી જોડાવવાનું નક્કી કર્યુ છે. તો સામે 10 યુગલો હકારાત્મક અભિગમ તરફ આગળ વધ્યાં છે. આ કાર્યક્રમની સંસ્થાને મહદઅંશે ખુબ સરસ સફળ મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.