ભાસ્કર વિશેષ:યાર્ડમાં વઢવાણી મરચાંનું તીખું આગમન: રોજના 200 મણની ખરીદી, રીટેલમાં કિલોનો ભાવ રૂ. 50થી 60

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણિયા રાયતા મારચાનું અથાણુ કરીને લોકો તેનો ખાવામાં ઉપયોગ કરી રહ્યાં છે.  - Divya Bhaskar
વઢવાણિયા રાયતા મારચાનું અથાણુ કરીને લોકો તેનો ખાવામાં ઉપયોગ કરી રહ્યાં છે. 
  • શિયાળાની ઋતુમાં અથાણાં, રાયતાંનો ઉપયોગ વધતાં મરચાંની માંગ વધી

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની સિઝનમાં વઢવાણી મરચાંનું આગમન થતાંની સાથે જ તેની માંગ વધી છે, જેના કારણે રોજ અંદાજે 4000 કિલો એટલે કે 200 મણ જેટલાં વેચાઈ રહ્યાં છે. રિટેલમાં 1 કિલોના રૂ. 50થી 60ના ભાવમાં વેચાતાં આ મરચાંની ખરીદી માટે લોકો અહીં આવી રહ્યા છે.

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં અંદાજ 30થી વધુ રિટેલ વેપારી આ મરચાંનું વેચાણ કરી રહ્યા છે. આ અંગે શાકભાજીના વેપારી કિશનભાઈ સાકળિયા, સોહમભાઈ પનાળિયા, અતુલભાઈ સાકળિયા, રમેશભાઈ લકુમ, ભાર્ગભાઈ મકવાણાએ જણાવ્યું કે, હાલમાં વઢવાણી મરચાંની આવક વધુ છે, જેના કારણે ભાવ પણ લોકોને પોષાય તેવા રહ્યા છે.

પહેલાં આવી સિઝનમાં હોલસેલ કિલોએ રૂ. 70થી 80 તેમજ રિટેલમાં કિલોએ રૂ. 100થી 120 હતો પરંતુ આવક વધવાને કારણે કિલોએ હોલસેલના ભાવ 35થી 40 અને રિટેલના કિલોએ રૂ. 50થી 60 રહેતાં વઢવાણી રાયતા મરચાં લેવા માટે સવારથી લોકો આવતા હોવાથી રોજ મરચાંની ખપત થઈ રહી છે.

10 વર્ષ પહેલાં વઢવાણી મરચાં તરીકે પ્રખ્યાત થયાં
વઢવાણી મરચાં ક્યારથી ઓળખાયા એ વિશે વેપારીઓએ જણાવ્યું કે, શિયાળાની ઋતુમાં રાયતા મરચાં ખોડુ, વેળાવદર, પથુગઢ, રૂપાવટી, ગુજરવદી સહિતનાં ગામડાંમાંથી આવતાં હતાં, જેમાં સૌથી વધુ ગુજરવદીમાંથી મરચાં આવતાં હતાં અને તે ગુજરવદીનાં મરચાં તરીકે ઓળખાતાં હતાં. પરંતુ 10 વર્ષથી આ તમામ મરચાં વઢવાણી મરચાં તરીકે ઓળખાતાં થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...