બેદરકારી:પાટડીમાં 4 મહિના અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિના નામે વેક્સિનનું સર્ટિફિકેટ, મૃતકના પુત્રના ફોનમાં મેસેજ આવ્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં 4 મહિના અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો તેમના પુત્રના ફોનમાં મેસેજ આવ્યો - Divya Bhaskar
પાટડીમાં 4 મહિના અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો તેમના પુત્રના ફોનમાં મેસેજ આવ્યો
  • એમની પત્નીએ પણ બીજો ડોઝ લીધો ન હોવા છતાં એમને પણ બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળ્યું
  • આ ઘટનાની જાણ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

પાટડીમાં 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ મૃતકના પુત્રના મોબાઈલમાં આવતા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. આરોગ્ય વિભાગ પર કોરોના રસિકરણની 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનું ખુબ પ્રેસર છે ત્યારે 4 મહિના અગાઉ જે વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં, એમને કોરોના રસીના બીજા ડોઝ લઇ લીધાનું સર્ટિફિકેટ મળ્યું હોવાથી અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આટલું ઓછું હોય એમ આ મૃતક વ્યક્તિની પત્નીએ પણ બીજો ડોઝ લીધો ન હોવા છતાં એમને પણ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ મળતા આરોગ્ય વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો છે.

પાટડી તાલુકાના છાબલી ગામે રહેતા ઇમ્તિયાઝખાન મુરીદખાન મલેકના પિતા મુરીદખાન મમંદખાન મલેકનું 51 વર્ષની વયે ગત તારીખ 7મી જૂન 2021ના રોજ અકસ્માતમાં અકાળે મોત નિપજ્યું હતુ. ત્યારે આ ઘટનાને આજે ચાર માસથી પણ વધારે સમય વિતવા છતાં એમના દિકરા ઇમ્તિયાઝખાન મલેકના મો.નં. પર ગઇ કાલે મોડી સાંજે એમના પિતા મુરીદખાન મંમદખાન મલેકે વેક્સીનનો બીજો ડોઝ સફળતાપૂર્વક લઇ લીધો હોવાનો મેસેજ મળતા તેઓ અવાક જ બની ગયા હતા. એમણે એ મેસેજના આધારે કોરોના વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું હતું.

આ ઘટના હજી તાજી છે ત્યાં ઇમ્તિયાઝખાન મલેકના મો.નં.પર એમની 44 વર્ષની માતા રઝીયાબેન મુરીદખાન મલેકે વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં એમણે પણ બીજો ડોઝ સફળતાપૂર્વક લીધાનો મેસેજ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

આ અંગે છાબલી ગામના ઇમ્તિયાઝખાન મલેકે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, આ ઘટના બાદ મેં ફેસબુકમાં પોસ્ટ મૂકતા આરોગ્ય વિભાગમાંથી મને ફોન આવ્યો હતો કે ભૂલ થઇ ગઇ છે પણ તમે આ ફેસબુક પોસ્ટ ડિલીટ કરી દો. મારા પિતા મુરીદખ‍ાન મંમદખાન મલેકનું ચાર મહિના અગાઉ અકસ્માતમાં મોત નિપજવા છતાં એમને વેક્સિનનો સેકેન્ડ ડોઝ લીધાનો મેસેજ આવ્યાં બાદ મેં એનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કર્યું છે. આટલું ઓછું હોય એમ મારી માતા રઝીયાબેન મલેકે પણ હજી વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં એમને પણ બીજો ડોઝ સફળતાપૂર્વક લઇ લીધાનો મેસેજ આવ્યો છે એમનું સર્ટિફિકેટ પણ મેં ડાઉનલોડ કરી લીધું છે. કોરોના વેક્સિનેશનની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા મૃત વ્યક્તિના નામે સેકન્ડ ડોઝ લઇ લીધાનો મેસેજ કરવો ખરેખર ગંભીર ભૂલ અને મોટો છબરડો ગણાય.

ત્યારે આ અંગે દસાડા તાલુકાના ઉપરીયાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. સ્મિતાબેન પરમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

સવાલઃ તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા છાબલી ગામના ચાર માસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધાનો મેસેજ મળ્યો છે ?

જવાબઃ આ અંગેની જાણ મને થતાં મે એમના દિકરા ઇમ્તિયાઝખાન મલેક સાથે વાત કરી છે. આ ગંભીર ભૂલ ગણાય પણ આરોગ્ય વિભાગને 100 ટકા વેક્સિનેશનના અને કામના પ્રેસરમાં ભુલથી આ એન્ટ્રી થઇ હોઇ શકે એની તપાસ ચાલુ છે.

સવાલઃ એમના પત્નીના નામે પણ ડોઝ ન લીધો હોવા છતાં વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધાનો મેસેજ મળ્યો છે?

જવાબઃ હકીકતમાં ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આઇડીમાંથી આ બંને એન્ટ્રીઓ થઇ છે અને 20થી વધુ લોકો આ એન્ટ્રીઓ કરતા હોય છે આથી કોની ભુલથી આ એન્ટ્રી થઇ છે એ શોધવુ થોડુંક અઘરૂ છે છતાં આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર સાહેબને જાણ કરાઇ છે.

સવાલઃ ચારેક માસ અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે સેકન્ડ ડોઝ લીધાનો મેસેજ આવે એ ગંભીર ભુલ ના ગણાય?

જવાબઃ જે લોકોએ કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો હોય અને મૃત્યુ પામ્યા હોય એની કોમ્પ્યુટરમાં મૃત્યુ પામ્યાની એન્ટ્રી કરવા છતાં એમનો બીજો ડોઝ બાકીના લીસ્ટમાં એમનું નામ આવે છે અને આરોગ્ય વિભાગના અલગ-અલગ કર્મચારી દ્વારા એમના પરિવારજનોને આ બાબતે ફોન કરવામાં આવે તો એ લોકો અકળાઇ જાય છે કે તેઓ મૃત્યુ પામ્યાનું જણાવવા છતાં ફરી કેમ ફોન કરો છો પણ આ ટેકનિકલ ખામીના લીધે આવુ બને છે.

સવાલઃ આરોગ્ય વિભાગના જે કર્મચારીએ આ ગંભીર ભુલ કરી હશે એના પર શું પગલા લેવામાં આવશે ?

જવાબઃ ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાઇટ પરથી કોણે એન્ટ્રી કરી એ શોધવુ અઘરૂ છે. છતાં જો માલુમ થશે તો એને ફરી આવી ગંભીર ભુલ ન થાય એ માટેની તાકીદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...