તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શહેરના કેટલાક કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી આપમાં જવાના મૂડમાં

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, નજીકના દિવસોમાં આપના પ્રદેશના નેતાની હાજરીમાં ખેસ પહેરે તેવી શક્યતાઓ પ્રબળ

સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીના સમયે જ કોંગ્રેસમાં કમઠાણ સર્જાયું હતું. ઉકળતા ચરૂને મોવડી મંડળે શાંત પાડી ઘીના ઠામમાં ઘી નાખી દીધું હતું. પરંતુ પાલિકાની ચૂ઼ટણીમાં કારમો પરાજય ખાધા બાદ કોંગ્રેસમાં ફરીથી અંદરખાને છુપા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આથી જ કોંગ્રેસનો હાથ છોડીને આપ સાથે હાથ મિલાવવાની તૈયારીઓ કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.

પાલિકાની ચૂ઼ંટણી જાહેર થયા બાદ ટીકીટોથી લઇને અનેક પ્રકારે કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા. અને આથી જ ટીકીટોના નિર્ણય માટે કમીટીની રચના કરતા મામલો થાળે પડયો હતો. સંયુકત પાલિકાની ચૂ઼ંટણીમાં 52 સીટમાંથી કોંગ્રેસ માત્ર 2 સીટ ઉપર જ વિજયી થયુ હતુ. 13 વોર્ડમાં ભાજપના 49 સભ્યો ચૂંટાઇ આવતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. બાદમાં થોડા સમય માટે કોંગ્રસની ગડમથલ શાંત થઇ ગઇ હતી. પરંતુ વર્તમાન સમયે કોંગ્રેસમાં ફરીથી સખળ ડખળ ચાલું થઇ ગયુ છે.

અંદરખાને એવી વિગતો જાણવા મળી રહી છે કે કોંગ્રેસથી નારાજ કાર્યકરો થોડા જ દિવસોમાં કોંગ્રેસ છોડી રહ્યા છે. અને તેઓ આપ સાથે જોડાઇને શહેરમાં આપનું કામ કરશે. વધુમાં એવી પણ વિગતો જાણવા મળી રહી છે કે નજીકના દિવસોમાં આપના પ્રદેશના નેતાઓ સુરેન્દ્રનગર આવશે અને તેમની હાજરીમાં કોંગ્રેસના 150થી 20 આગેવાનો આપનો ખેસ ધારણ કરી શકે છે.

જો આ કોંગ્રેસી કાર્યકરો આપમાં જોડાશે તો કોંગ્રેસ માટે મુશ્કેલ બનવાની સાથે આપ મજબુત થતા ભાજપ સામે પણ ફાઇટ આપી શકે છે. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રોઠોડે જણાવ્યુ કે અમારા કેટલાક કાર્યકરો નારાજ હતા તે વાત મારા ધ્યાને છે, પરંતુ કોંગ્રેસ છોડવાની વાત મારા ધ્યાને નથી. છતા જે લોકો નારાજ છે તેમને મળીને પ્રશ્ન જાણીને તેનો હલ કરવાનો પ્રયાસ કરીશુ.

અન્ય સમાચારો પણ છે...