એકસાથે ત્રણ મકાનમાં ચોરી:હળવદના દેવીપુરમાં તસ્કરો ત્રણ મકાનને નિશાન બનાવી રૂ. 4.95 લાખના દાગીના-રોકડ ઉઠાવી ફરાર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના દેવીપુરમાં તસ્કરો ત્રણ મકાનને નિશાન બનાવી રૂ. 4.95 લાખના દાગીના-રોકડ ઉઠાવી ફરાર - Divya Bhaskar
હળવદના દેવીપુરમાં તસ્કરો ત્રણ મકાનને નિશાન બનાવી રૂ. 4.95 લાખના દાગીના-રોકડ ઉઠાવી ફરાર
  • શખ્સો બે બંધ મકાનમાંથી રૂ. 3.94 લાખના દાગીના-રોકડ ઉઠાવી ગયા
  • મકાન માલિકને સૂતા રાખી ચોર શખ્સો રૂ. 1.01 લાખના દાગીના-રોકડ ઉઠાવી ગયા
  • ત્રણેય ચોરીના મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

હળવદ તાલુકાના દેવીપુર ગામે તસ્કરોએ મોડી રાત્રી દરમિયાન મકાનના ધાબા ઉપર અને ફળિયામાં મીઠી નીંદર માણી રહેલા ઘરધણીને સૂતા રાખી મકાનની બારી તોડી મકાનમાંથી રૂ. 1.01 લાખની ચોરી કરી હતી. તેમજ બાજુમાં આવેલાં બે બંધ મકાનમાંથી પણ શખ્સોએ અનુક્રમે રૂ. 3.71 લાખ અને 23 હજારના મુદ્દામાલની ચોરી આચરી ત્રણ મકાનમાંથી કુલ રૂપિયા 4.95 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરીના મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ રહેણાંક મકાનમાં થયેલી ચોરી મામલે હળવદના દેવીપુર ગામે રહેતા મનોજભાઇ ઓધવજીભાઇ પીપળીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત મોડી રાત્રી દરમિયાન તેઓ અને તેમનો પરિવાર ગરમીને કારણે મકાનના ધાબા ઉપર અને ફળિયામાં સુતા હતા. ત્યારે અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી તોડી તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા 1 લાખ 01 હજાર 400ની ચોરી કરી ગયા હતા.

આ ઉપરાંત બહારગામ ગયેલા તેમના ભાઈ જતીનભાઈ ઓધવજીભાઇ પીપળીયાના ઘરમાંથી તસ્કરો સોનાનો હાર, મંગળસૂત્ર, સોનાની ચેન, બુટ્ટી, પેડલ, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો અને રોકડ રકમ સહિત કુલ રૂ. 3.71 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ મનોજભાઈની બાજુમાં રહેતા અને બહારગામ ગયેલા રસિકભાઈ પરસોતમભાઇ સોનાગરાના મકાનમાંથી પણ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 23 હજાર 200ના મુદ્દામાલની ચોરી કરી હતી. આથી તસ્કરો કુલ રૂ. 4 લાખ 95 હજાર 600ની માલમત્તા ચોરી જતાં ત્રણેય ચોરીના મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...