રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો એ કામમાં જોતરાઈ ગયા છે. આ વચ્ચે છેલ્લા બે-ચાર દિવસથી પાટડી પંથકમાં ખેડૂતનો ટ્રેક્ટરની સીટ પર બેસવાના બદલે આગળના બોનેટના ભાગે બેસી પોતાનું ખેતર ખેડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો પાટડી તાલુકાના જરવલાના ખેડૂત આગેવાન વિપુલ રબારીનો હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતે ટ્રેક્ટરના બોનેટના ભાગે બેસીને પણ વ્યવસ્થિત ખેડ કર્યું
ચોમાસાની સીઝનમાં રણકાંઠાના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી છે. ત્યારે છેલ્લા બે-ચાર દિવસથી પાટડી પંથકમાં ખેડૂતનો ટ્રેક્ટર પર આગળ બેસી ખેતરમાં ખેડ કરી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં યુવાન ખેડૂત ટ્રેક્ટરની સીટના બદલે આગળના બોનેટના ભાગે બેસી પોતાનું ખેતર વ્યવસ્થિત રીતે ખેડતો નજરે પડે છે. ત્યારે દિવ્ય ભાસ્કરની જાત તપાસમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો આ વાઇરલ વીડિયો પાટડી તાલુકાના જરવલાના ખેડૂત આગેવાન વિપુલ રબારીનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોએ ધરતીપુત્રોની સાથે લોકોમાં પણ ચર્ચા જગાવી છે.
ખેડૂતોએ આગોતરું વાવેતર શરૂ કર્યું
ઝાલાવાડ પંથકમાં પ્રીમોન્સૂન અંતર્ગત અનેક તાલુકાઓમાં સારોએવો વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ કેટલાય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો નથી, પરંતુ કેટલાક ખેડૂતોએ આગોતરું વાવેતર કરીને કૃષિક્ષેત્રે જુગાર પણ ખેલ્યો છે. આમ તો સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો કપાસ, જુવાર, બાજરી અને જીરાનું જ વાવેતર કરે છે, પણ હવે રણકાંઠાના 89 ગામમાંથી 87માં નર્મદાના નીર પહોંચતાં એના ખેડૂતો હવે બાગાયતી પાક અને અન્ય પાકો તરફ વળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.