ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત:લીંબડી ખાતે શ્રી એચ.કે.ઝાલા હાઇસ્કુલમાં કાર્યરત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ બની ખેલકૂદનું ધામ, 90 વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે તાલીમ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • - ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને સિધ્ધ કરતી જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના - રમતના સાધનો, રહેઠાણ, ભોજનની શ્રેષ્ઠ સુવિધાઓ સાથે અપાય છે નિઃશુલ્ક તાલીમ

ખેલકૂદ પ્રત્યે બાળકોને સ્વાભાવિક લગાવ હોય છે અને હવે તો ખેલકૂદ ક્ષેત્રે કારકિર્દી નિર્માણની તકો પણ ઉજળી બની છે. ત્યારે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાવાન યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી, તાલીમ અને સંસાધનો ઉપલબ્ધ કરાવી યુવા રમતવીરોની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તે માટે સરકાર દ્વારા બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે સ્પોર્ટસ ક્ષેત્રે વધેલી સ્પર્ધાત્મકતાને કારણે તાલીમ અને ખેલકૂદ માટે જરૂરી સાધનોનો ખર્ચ દરેક પરિવારને પોસાય તેવો હોતો નથી ત્યારે ખેલપ્રતિભા ધરાવતા બાળકોને પ્રતિભા અનુસારની રમતમાં નિષ્ણાંત બનાવે તેવી તાલીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્યમ રાજ્ય સરકારે હાથ ધર્યો છે. ગ્રાસ રૂટથી ઉચ્ચ સ્તર સુધી ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમને મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહી છે અને આ જ પ્રયાસો અંતર્ગત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપથી ખેલપ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણનાં બેવડા ધ્યેય સિધ્ધ કરતી ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજના (DLSS) અમલમાં મૂકવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લિંબડી ખાતે શ્રી એચ.કે.ઝાલા હાઇસ્કુલમાં આવી જ એક સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે, જેમાં શૂટિંગ, ફેન્સીંગ અને હોકી એમ ત્રણ રમતોની તાલીમ આપવામાં આવે છે. 90થી વધુ બાળકો દેશ માટે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનાં ધ્યેય સાથે અહીં તાલીમ લઈ રહ્યા છે.

આવું જ એક સ્વપ્ન સેવી રહેલા જામનગર જિલ્લાનાં પડાણા ગામના પ્રતિભાશાળી કિશોર જાડેજા પરમરાજસિંહ ઘનશ્યામસિંહ આનંદ સાથે જણાવે છે કે, હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લિંબડી ખાતે ચાલતી ડી.એલ.એસ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા રહેવા-જમવા, તાલીમ બધું જ સરકારશ્રી તરફથી નિ:શુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂરી હેલ્ધિ ડાયેટ અને સ્કૂલનો ખર્ચ પણ સરકાર જ આપે છે. પરમરાજસિંહ રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી ચુક્યા છે. કેરલા ખાતે રમાયેલ નેશનલ ગેમ્સમાં પણ તેમણે ભાગ લીધો છે. દેશ માટે ઓલમ્પિકસમાં મેડલ મેળવવાનું તેમનું સપનું પૂર્ણ કરવામાં DLSSની તાલીમ ખૂબ જ ઉપયોગી નીવડશે એવો તેમને વિશ્વાસ છે.

ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલ એચ.કે.ઝાલા, લીંબડીમાં શૂટિંગ ટ્રેનર તરીકે ફરજ બજાવતા મોના પ્રજાપતિ જણાવે છે કે, અહીં રહેતા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ટુર્નામેન્ટનો સંપૂર્ણ ખર્ચ, સ્કૂલ ફી, જમવાની, યુનિફોર્મ, હોસ્ટેલ વગેરે સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.

અહીંયા બાળકોને સવારે 6 થી 8 અને સાંજે 4.30થી 6.30 એમ બે ટાઈમ ઘનિષ્ઠ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અહીં બાળકોને જર્મન પિસ્તોલ, જર્મન રાયફલ, ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ જેવા અત્યાધુનિક સાધનોથી તાલીમ આપવામાં આવે છે. અત્યારે 25 જેટલા વિદ્યાર્થીઓ શૂટિંગની ટ્રેનિંગ લઈ રહ્યા છે. 65મી નેશનલ ચેમ્પિયનશિપમાં અમારી સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ અમારા વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે.

અમદાવાદ જિલ્લાના મોટા ત્રાડીયા ગામના તાલીમાર્થી ઝાલા જયરાજસિંહ અશોકસિંહ હર્ષ સાથે જણાવે છે કે, અહીંયા મને કોચ દ્વારા ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી રહી છે. મને સારામાં સારી સ્પોર્ટ્સ કીટ પણ આપવામાં આવી છે. સ્કૂલ તરફથી આપવામાં આવતું ભોજન પણ ગુણવત્તાયુક્ત હોય છે. આગળ જઈને ભારતની હોકી ટીમમાં રમવાનું મારું સ્વપ્ન છે. એ સ્વપ્ન પૂર્ણ કરવા માટે હું અહીંયા તાલીમ લઈ રહ્યો છું.

જ્યારે હોકી કોચ તરીકે ફરજ બજાવતા અમિતપાલ જણાવે છે કે, બાળકોને રહેવાની-જમવાની તાલીમ ઉપરાંત આ યોજના હેઠળ અભ્યાસ કરતાં બાળકોને દર મહિને 750 રૂપિયા સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. બાળકોમાં રહેલી ખેલ પ્રતિભાને નિખારવા માટે નાની વયથી જ તેમને ઉત્તમ તાલીમ અને માહોલની જરૂર રહે છે જે DLSS પૂરા પાડે છે. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલમાં સારુ પ્રદર્શન કરતાં બાળકોને આગળ એકેડમીમાં તાલીમ અર્થે મોકલવામાં આવે છે ત્યારબાદ તેમને શક્તિદુત યોજનામાં દાખલ કરવામાં આવે છે. આ સ્કૂલના બાળકો ખેલ મહાકુંભમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલો વચ્ચે રમાયેલ ઇન્ટર ડી.એલ.એસ. સ્કૂલમાં પણ અમારા વિદ્યાર્થીઓ હોકીમાં ગોલ્ડ મેડલ લાવી ચૂક્યા છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ જણાવે છે કે, કોઈપણ રમતવીર માટે ડાયેટ ખૂબ જ અગત્યની છે. અને ડીએલએસએસમાં પણ આ બાબતનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન બાળકોને સ્પોર્ટ્સને અનુરૂપ પૌષ્ટિક આહાર, ટુર્નામેન્ટ એક્સપોઝર સ્કૂલ ઇવેન્ટ તથા કોમ્પ્યુટર ફી, રમતના સાધનો જેવી જરૂરિયાતો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થી દીઠ દર માસે 900 રૂપિયાના ડ્રાયફ્રુટ આપવામાં આવે છે. બાળકોને સવાર-સાંજ પ્રેક્ટિસ સેશન દરમિયાન ચા, ગ્લુકોઝ બિસ્કીટ, ફણગાવેલ કઠોળ, લીંબુ પાણી આપવામાં આવે છે. જ્યારે સવારે નાસ્તામાં અમૂલ ગોલ્ડ 500 ગ્રામ, 20 ગ્રામ કોર્ન ફ્લેક્ષ, પ્રોટીન પાવડર, ભાખરી/રોટલો જેવી અલગ અલગ વસ્તુઓ આપવામાં આવે છે. બાળકો પ્રેક્ટિસ સમય દરમ્યાન ઇજાગ્રસ્ત થાય તો સારવાર માટે સ્કૂલમાં ફિઝિયોથેરાપિસ્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. કોચિંગ લઈ રહેલાં ખેલાડીઓ ભવિષ્યમાં ખૂબ જ સારા રમતવીરો બને એ પ્રકારનું અહીંથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં જ્યારથી ડી.એલ.એસ. સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત થઇ છે ત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે ઓલ ઇન્ડિયા સ્કૂલ ગેમ ફેડરેશનમાં ગુજરાતની મેડલ ટેલીમાં ઉતરોત્તર વધારો થયો છે. ભવિષ્યમાં આ ખેલાડીઓ ઓલમ્પિકમાં ભાગ લઈ દેશ માટે મેડલ મેળવે એવા આયોજન સાથે એમને તાલીમ આપવામાં આવે છે. આ સ્કૂલમાંથી અત્યાર સુધીમાં 700થી વધારે ખેલાડીઓ તાલીમબદ્ધ થઈ ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013-14મા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ(DLSS) યોજના અમલમાં મુકવામાં આવી હતી. વર્ષ 2014-15મા રાજ્યની 9 શાળાઓમાં આ યોજના અમલી હતી. જેમાં અલગ-અલગ 14 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2022-23મા રાજ્યની 44 શાળાઓમાં આ યોજના અમલી છે. જેમાં કુલ 4800થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વિવિધ રમતોમાં નિષ્ણાંત કોચ અને ટ્રેનર દ્વારા પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં આર્ચરી, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, બોક્સિંગ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કુસ્તી, વોલીબોલ જેવી 21 રમતોની તાલીમ આપવામાં આવે છે. ગ્રાસ રૂટથી ઉચ્ચ સ્તર સુધી, ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમને મજબૂત કરવાનાં ભાગરૂપે વધુ 11 જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...