શંકરભાઇ ધરજીયાનું સન્માન:રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શંકરભાઇ ધરજીયાનું પઢાર સમાજ દ્વારા સન્માન કરાયું

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંગીત નાટ્ય અકાદમી દ્વારા તારીખ 23/2ના રોજ દિલ્હી ખાતે ધરજીયા શંકરભાઈ હકાભાઇને પારંપરિક સંગીત નાટ્ય માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેના બહુમાન માટે તેમના જ પઢાર સમાજે ધરજીયા શંકરભાઈનું બહુમાન કર્યું હતુ. આ સન્માન સમારોહમાં તેમના પઢાર સમાજના અગ્રણીઓ તેમજ શિક્ષિત યુવાનો અને મોટી સંખ્યામાં સમાજની જનમેદની ઉપસ્થિત રહી હતી. સન્માન સમારોહમાં ધરજીયા શંકરભાઈની સંગીત નૃત્યની શરૂઆતથી લઈ આજ દિન સુધીની જીવનયાત્રા જોવા મળી હતી. 50 વર્ષથી સંગીત કલા ક્ષેત્રે યોગદાન આપતા શંકરભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામમાં પઢાર આદિવાસી સમાજમાં થયો હતો.

નાનપણથી જ જાણે શંકરભાઈને તેમના વારસામાંથી જ પારંપરિક સંગીત નૃત્યનો વારસો મળ્યો હતો. શંકરભાઈ પારંપરિક સંગીત અને નૃત્ય સોળેક વર્ષની ઉંમરથી પોતાના વડીલો સાથે ગ્રુપમા પીરસતા થઈ ગયા હતા. શંકરભાઈએ સંગીત નૃત્યની શરૂઆત તેમના નૃત્ય મંડળમાં રહીને ગુજરાતના વિવિધ સ્થળોએ પોતાની કલા રજૂ કરી છે. ગુજરાતમાં સંગીત કલા ક્ષેત્રે ઉજવાતા વિવિધ ઉત્સવો અને કાર્યક્રમોમાં શંકરભાઈએ પોતાનું પારંપરિક સંગીત નૃત્ય કલા રજૂ કરવાની ભૂમિકા ભજવીને ગુજરાતની કલાને ઉજાગર કરી છે. શંકરભાઈ પોતાની પાસે રહેલી પારંપરિક સંગીત નૃત્ય કલા આઝાદી પહેલા પણ પોતાના સમાજ પાસે હોવાનું જણાવે છે. જે તેમના વડીલોએ આઝાદી પછી પ્રથમ વડાપ્રધાન જવાલાલ નહેરુ સમક્ષ આ કલા રજુ થઈ હોવાથી વર્ષો જૂની પારંપરિક કલા હોવાનો દાવો કરે છે.

શંકરભાઈએ પોતાની પારંપરિક સંગીત નૃત્ય કલા ગુજરાતના મોટા ભાગના મંત્રીઓ, અધિકારીઓ, અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતે તેમજ પોતાના મંડળ સાથે રહીને સંગીત નૃત્ય કલા પીરસીને ગુજરાતની જનતાને પોતાની કલાની ઝાંખી કરાવી છે. શંકરભાઈએ ગુજરાત તેમજ ભારતના વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી તેમજ દેશના છેડે આવેલા નાગાલેન્ડ જેવા રાજ્યોમાં પણ પોતાની કલાનો પ્રચાર પ્રસાર કરી ચૂક્યા છે. આઝાદીથી લઈ અત્યાર સુધી તેમની પરંપરિક સંગીત નૃત્ય શૈલી પ્રથમ વડાપ્રધાન જવાલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પણ પોતાની પરંપરિક સંગીત કલા બતાવી ચૂક્યા છે.

શંકરભાઈ પોતાની પારંપરિક સંગીત નૃત્ય કલા પિરસતા વયોવૃધ્ધ થતા તેમને તેમની આ કલા પોતાના સમાજમાં જીવંત રહે તે માટે તેમને પોતાના જ સમાજના રામાભાઇ તથા દેવશીભાઈ તથા હરિભાઈ અને અન્ય યુવાનોને બોલાવી પોતાની પાસે રહેલી કલા જીવત રાખવા માટે માહિતગાર કર્યા હતા. શંકરભાઈ ધરેજીયા જણાવે છે કે, મારી પારંપરિક કલાને સાચવી રહેલા મારા સમાજના નવ યુવાનોની ગુજરાતની સંગીત કલા પ્રેમી પ્રજાઓ નોંધ લઈ ગુજરાતની કલાને સદા જીવંત રાખી ગુજરાતને કલા નગરી બનાવવા ગુજરાતીઓ તત્પર રહે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, પ્રતિભાદેવી પાટીલ, પ્રણવ મુખરજી, અને હમણાં દિલ્હી ખાતે નવા સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં શંકરભાઈ પોતે અને પોતાના ગ્રુપને લઇ પોતાની પારંપરિક સંગીત નૃત્ય કલા રજૂ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...