સુરેન્દ્રનગરમાં કાયદાના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખસે ધોકા અને પથ્થરોથી ઢોરમાર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે સાત શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સામાન્ય બોલાચાલીમાં વાત વણસી અને...
જે બનાવ બન્યો છે એનો વીડિયો જોઈએ તો લાગે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હશે, પરંતુ આ બનાવમાં 'સામું કેમ જુએ છે?' એવી સામાન્ય બાબતે જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે એમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મારામારી કરી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ ધોકા લઈ તૂટી પડ્યા હતા. તો બીજા શખસોએ મોટા પથ્થરો લઈ માર્યો હતો.
મર્ડર કરો...મર્ડર કરો...
સુરેન્દ્રનગરમાં હત્યાના પ્રયાસનો જે બનાવ બન્યો છે એનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં આરોપી હાથમાં લાકડી લઈ ભોગ બનનારને ઢોરમાર મારતા જોવા મળી રહ્યા છે. એક યુવક મર્ડર કરો...મર્ડર કરો..કહેતા પણ સંભળાઈ રહ્યો છે.
સાત શખસ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
ઢોરમારનો આ વીડિયો વાઈરલ થયા બાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સાત શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દીપક વાણિયા, રમેશ પારગી, દર્શન રાઠોડ અને જિજ્ઞેશ રાઠોડ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા શખસ મળી સાત સામે ગુનો નોંધ્યો છે.
જાહેર સ્થળ પર જ કાયદાના ધજાગરા ઊડ્યા
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ધોળે દિવસે હત્યાના પ્રયાસનો બનાવ બનતાં ચકચાર મચી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઊઠ્યા છે.
ધાક જમાવવા પોતાના જ વીડિયો વાઈરલ કર્યા
આરોપી દીપક વાણિયાએ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કરેલી મારામારીનો વીડિયો પોતે જ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. આ પહેલાં પણ તેની એક ગુનામાં ધરપકડ થઈ ત્યારે તેનો વીડિયો અને એક કેબિનમાં તેના દ્વારા કરાયેલી તોડફોડનો વીડિયો પણ પોતે વાઈરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ શું કહી રહી છે?
આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી. વીરજાએ જણાવ્યું હતું કે મારામારીની આ ઘટના મામલે સાત શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનની સુરેન્દ્નનગર ટી.બી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.