પાટડીના ચેસના ભીષ્મ પિતામહ ગણાતા સીનિયર સીટીઝન ખેલાડીએ નિવૃતિ પછી પણ કુલ દસમી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે. તેમણે ગુજરાત ટેલિકોમ સર્કલના ભૂતપૂર્વ ઓલ ઇન્ડિયા ચેસ ખેલાડીઓની સ્પર્ધામાં પાંચ રાઉન્ડના અંતે પાંચ પોઇન્ટ સાથે અવ્વલ રહી ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવાની સાથે નેશનલ લેવલે અનેક એવોર્ડ જીતનારા આ વૃદ્ધ હાલમાં સ્કૂલના ભુલકાઓને મફત ચેસ શીખવે છે.
યુવાનીને વય સાથે કોઇ સંબંધ નથી, માણસની વૃતિ યુવાન હોવી જોઇએ એનું ઉત્તમ ઉદાહરણ એટલે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ ચેસમાં અસંખ્ય એવોર્ડ મેળવવાની સાથે ચેસ જેવી ખુબ જ ધ્યાનપૂર્વક રમવાની રમતમાં અનેક એકલવ્ય તૈયાર કરનારા પાટડીના વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી પણ દસમી ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે.
સને. 1979માં થાનગઢ ટેલિફોન વિભાગમાં નોકરીની શરૂઆત કરનારા વિરેન્દ્રસિંહ ઝાલા 2016માં નિવૃત થયા હતા. 1980માં ચેસ રમવાની શરૂઆત કરનારા વિરેન્દ્રસિંહ ઝાલા BSNLમાં ચાર વખત ઓલ ઇન્ડિયા લેવલે ચેમ્પિયન રહી ચૂક્યા છે. જેની સાથે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની સાથે અનેક નેશનલ એવોર્ડ વિજેતા વિરેન્દ્રસિંહ ઝાલાએ નિવૃત્તિ પછી 2016માં લુણાવાડામાં ખેલ મહાકુંભમાં ચેમ્પિયન, ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટમાં પણ ચેમ્પિયન 2019માં સિનીયર સિટીઝન સ્પર્ધામાં 3 વખત ગુજરાત ચેમ્પિયન અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ઓલ ગુજરાત લેવલે ચેમ્પિયન બની પછાત રણકાંઠાનું નામ ચેસ ક્ષેત્રે ઇન્ટરનેશનલ ફલક પર ગુંજતું કર્યુ છે.
ત્યારે આજે શનિવારે રિટાયર્ડ ગુજરાત ટેલીકોમ સર્કલના ભૂતપૂર્વ ઓલ ઇન્ડિયા ચેસ ખેલાડીઓની સ્પર્ધાનું DOT C.C.A. વિભાગની ઓફિસમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા નેશનલ અને ઓલ ઈન્ડિયા બી.એસ.એન.એલ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પાંચ રાઉન્ડના અંતે ઝાલાવાડના ચેસના ભીષ્મ પિતામહ કહેવાતા વિરેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા પાંચ પોઈન્ટ સાથે પ્રથમ રહ્યા હતા. બીજા સ્થાને સુરેન્દ્રનગરના દલસુખભાઈ મકવાણા રહ્યા હતા. નોંધનીય છે કે DOT C.C.A.ના કમલ કપૂરના હસ્તે સ્પર્ધાનું સમાપન થયું હતું.
પાટડીના ચેસ ચેમ્પિયનની આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધી
* સને 1990માં અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રશિયન ગ્રાન્ડ માસ્ટર ઓલેગ ડી. ઝુબીનને હરાવીને ઇતિહાસ રચ્યો હતો
* સને 1998માં વર્લ્ડ એમચ્યોર ચેમ્પિયન વિરાફ અવારીને હરાવીને (FIDE) વર્લ્ડ ચેસ ફેડરેશનનું આંતરરાષ્ટ્રીય રેટીંગ મેળવી ફરી ઇતિહાસ રચ્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.