તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:ફેરિયા પાસેથી ચોખા અને ગરીબો પાસેથી ઘઉં રૂ. 7થી 10માં ખરીદ્યા હતા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં-ચોખા જેના ઘરેથી વગે કરાયા હતા તેનું ગળે ન ઊતરે તેવું નિવેદન

સુરેન્દ્રનગરના પતરાવાળી હોટેલ પાસેથી ગુરુવારે 384 કટ્ટામાં ભરેલા 19,200 કિલો ઘઉં અને 240 કટ્ટામાં ભરેલા 12,000 કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. કૌભાંડમાં સંડોવાયેલા શખ્સે સિટી મામલતદાર સમક્ષ આપેલા નિવેદન પ્રમાણે તેણે ફેરિયા પાસેથી ચોખા અને ગરીબોને સરકાર તરફથી અપાતા મફત ઘઉં રૂ. 7થી 10ના કિલો ઘઉં ખરીદ્યા હતા. જોકે આ નિવેદન ગળે ઊતરે તેવાં નથી.

આ કૌભાંડમાં આઇસરના ડ્રાઇવર જયેશ અમરશીભાઈ ભાડાણિયાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટીબી હૉસ્પિટલ પાછળ રહેતા હિરેન જીલાભાઈ ગોલતરના ઘરેથી ભર્યો હતો અને શેખપર રોડ પર આવેલી શ્રીજી કંપનીમાં ખાલી કરવાનો હતો. સિટી મામલતદાર અને પુરવઠાની ટીમે બંનેનાં નિવદનો લીધાં હતાં જેમાં હિરેને કબૂલ્યું હતું કે તેણે ફેરિયા પાસેથી ચોખાનો જથ્થો ખરીદ્યો હતો જ્યારે ઘઉંનો જથ્થો પોતાની ખેતીની ઊપજ હોવાનું જણાવ્યું હતું.

આ કેસમાં મૂળ સાયલાના અને હાલ રતનપરમાં રહેતા અલ્પેશ દલવાડીનું નામ પણ ખૂલ્યું હતું. તપાસ માટે પુરવઠાની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરે તાળું મારીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અલ્પેશ સરકારી માર્કાના બારદાન લાવ્યો હતો. સામાન્ય રીતે ખેડૂત પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કર્યા બાદ જે-તે સ્થળે ઘઉં બારદાનમાં પેક કરવામાં આવતા હોય છે. આથી, અલ્પેશ પાસે આ સરકારી બારદાન ક્યાંથી આવ્યાં, એ પણ તપાસનો વિષય છે.

સરકારી કર્મચારી પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંક્યા પણ વ્યક્ત કરાઈ રહી છે. તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે સરકાર તરફથી ગરીબ લોકોને મફત ઘઉ આપવામાં આવે છે. આ ઘઉ કિલોના રૂ. 7થી 10 ના ભાવે લાભાર્થીઓ પાસેથી ખરીદી કરી લેતા હતા.

આમ સસ્તી કિંમતે લોકો પાસેથી ઘઉંની ખરીદી કરીને ટેકાના ભાવે વેચીને વધુ રૂપિયા કમાવાનો કારસો હોવાનું તપાસ ટીમ માની રહી છે. આ બાબતે સિટી મામલતદાર એન. એચ. પરમારે જણાવ્યું કે હાલ અલ્પેશ દલવાડીને શોધીએ છીએ. તે પકડાયા બાદ આ કેસની વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ તો ગાડી સાથે રૂ.13.74 લાખનો મુદામાલ સીઝ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...