આવતીકાલે પરિણામ:સુરેન્દ્રનગર જિલ્લાની 390 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં આવતીકાલે પરિણામ, સરપંચ અને સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન પેટીઓ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી, ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો
  • ચૂસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે જિલ્લામાં 77.89 ટકા મતદાન યોજાયું
  • લીંબડીના બોરાણામાં મતદાન 30 મિનિટ બંધ રહ્યું, ધ્રાંગધ્રાના કોંઢમાં બોગસ વોટિંગની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ વ્યવસ્થિત રીતે 390 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. તેવા સંજોગોમાં મોડી રાત્રે તંત્ર દ્વારા મતદાન પેટીઓ સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવી હતી તેમજ એક રૂમમાં સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે આવતીકાલે 21 ડિસેમ્બરે હવે મતગણતરી યોજાશે. તેમજ ગામોના વિકાસ માટે જે યોગ્ય હશે તેના તરફ પરિણામ મળશે તેવું સ્પષ્ટપણે જાણવા મળશે. ત્યારે હાલમાં વ્યવસ્થિત રીતે મતદાન પેટીઓ સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવી છે તેમજ ત્યાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જિલ્લામાં 77.89 ટકા જેટલું મતદાન થયું

નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 10 તાલુકાની 390 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ગઇ કાલે સવારથી લાંબી લાઈનો મતદાન કરવા માટે લાગી હતી. મતદાન મથકો બહાર રસીકરણ તેમજ આરોગ્યને લગતી તમામ પ્રકારની સતર્કતા આરોગ્ય તંત્રે દાખવી હતી. શાંતિપૂર્ણ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 390 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્ય બનવા મતદાન કરવામાં આવ્યું હતુ. જેમાં 77.89 ટકા જેટલું મતદાન થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ ગઈકાલે રવિવારે મતદાનના દિવસે વહેલી સવારથી તમામ તાલુકાઓના સંવેદનશીલ બૂથોની મુલાકાત લઈ રહ્યા હતા. ઉપરાંત વ્યવસ્થિત રીતે મતદાન થઈ રહ્યું છે કે કેમ તેની ખુદ જાતે તપાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે જિલ્લામાં શિયાળાની સિઝનમાં પણ વહેલી સવારથી જ ગામડાઓમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં માથાકૂટ

સુરેન્દ્રનગર જિલ્લામાં સંવેદનશીલ બૂથોની સંખ્યા ખૂબ વધુ હતી. કુલ 800 બુથ ઉપર મતદાન યોજાઈ રહ્યું હતું તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કોંઢ ગામે સામાન્ય બાબતે માથાકૂટ સર્જાઈ હતી. ત્યાં આગળ બોગસ વોટિંગ થતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જોકે આ બનાવના મામલે સુરેન્દ્રનગર એસઓજીની ટીમ અને સ્થાનિક પોલીસ અને તંત્ર ત્યાં દોડી ગયું હતું. તેમજ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે માથાકૂટના કારણે થોડી વખત મતદાન બંધ રહ્યું હતું. પરંતુ સમજાવટ બાદ ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

લીંબડીનાં બોરાણામાં બબાલ થઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 50 ટકાથી વધુ બુથો સંવેદનશીલ જાહેર કરાયા હતાં. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરાણા ગામે સામાન્ય માથાકૂટ દરમિયાન 30 મિનિટ સુધી મતદાન બંધ રહેવા પામ્યું હતું. જો કે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને તંત્રના કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા અને સમજાવટ બાદ ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને અન્ય પોલીસ કાફલો પણ આ ઘટના મામલે ત્યાં દોડી ગયો હતો. તેમજ બંને સરપંચોના જૂથોની સમજાવટ બાદ ફરી એક વખત મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

સરપંચ અને સભ્યોના ભાવિ મતદાન પેટીમાં સીલ

નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઊંચું મતદાન થવા પામ્યું છે. ત્યારે ગામડાઓ વિકાસ ઝંખી રહ્યા છે. તેવા સંજોગોમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરી અને આગામી દિવસોમાં ગામડાઓના વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઇ રહ્યું હતું. તેવા સંજોગોમાં આવતી કાલે મતગણતરી યોજવામાં આવશે. વિવિધ બુથોની નક્કી કરેલી ઓફિસો ઉપર મતગણતરી બાદ સરપંચો અને સભ્યોના ભાવિ નક્કી થશે. હાલ તો મતદાન પેટીમાં તેમનું ભવિષ્ય સ્થિર થઈ ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા હવે મતગણતરીની પ્રક્રિયા કાલે વહેલી સવારે હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...