નવતર પ્રયોગ:પાટડી નગરપાલિકાની વેરા બાકીદારો સામે લાલ આંખ, વેરો નહિ ભરનારાઓ નામો જાહેર બોર્ડ પર લખાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી નગરપાલિકાના બાકી માંગણાના રૂ. 357.46 લાખ પેટે માત્ર 22.54 % એટલે કે, માત્ર રૂ. 80.59 લાખની જ વસુલાત થઇ છે. આથી પાટડી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મેઈન બજારમાં બોર્ડ મૂકી તથા માઈક અને પોસ્ટર દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં આવ્યા છે. સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વેરો નહીં ભરનારાઓ નામો જાહેર બોર્ડ પર લખાશે એવુ બોર્ડ પાટડીની બજારમાં મુકવામાં આવતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

પાટડી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારણ કે, પાટડી નગરપાલિકાના બાકી માંગણાના રૂ. 357.46 પેટે માત્ર 22.54 % એટલે કે, માત્ર રૂ. 80.59 લાખની જ વસુલાત થઇ છે. સાથે પાટડી નગરપાલિકાના વિવિધ કોમ્પલેક્ષના બાકી દુકાન ભાડુઆતો સહીત 38 લોકોને પણ નોટીસ ફટકારવામાં આવી છે. અને પાટડી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની કામગીરી માટે અલગ અલગ ટીમો બનાવી લોકોના ઘરે જઈ વેરા વસુલાત કરવામાં આવી રહી છે.

વધુમાં પાટડી નગરપાલિકા દ્વારા મેઈન બજારમાં જાહેર બોર્ડ મૂકી લોકોને મિલકત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો તથા દુકાનભાડું તાકીદે ભરી જવા કડક સુચના આપવામાં આવી છે. તેમ છતાં વેરો ભરવામાં નહી આવે તો પાણી કનેક્શન કાપી જાહેર બોર્ડમાં નામ જાહેર કરવામાં આવશે એમ નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ અંગે ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ અને ટેક્ષ ઇન્સપેક્ટર નિરવ સુથારે જણાવ્યું હતું કે, પાટડી નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વોર્ડ નં 1 થી 6માં પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે. આથી નગરપાલિકા દ્વારા રૂપિયા 10,000થી વધુના બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પાટડી નગરપાલિકાની વેરા બાકીદારો સામે લાલ આંખ કરાતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...