સુવિધા:સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંયુક્ત પાલિકાએ 8 જુલાઈએ કરેલી બીજી વારની દરખાસ્ત સરકારે મંજૂર કરી, અગાઉ 2018માં કરી હતી

સુરેન્દ્રનગર-વઢવાણમાં ટૂંક સમયમાં સિટી બસ દોડતી થશે. સંયુક્ત પાલિકાની દરખાસ્તને રાજ્ય સરકારને મંજૂર કરી છે અને ગુરુવારે મુખ્યમંત્રીએ 32 મિનિ સીએનજી બસ માટે રૂ. 20.44 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. સંયુક્ત પાલિકા સિટી બસનો ખર્ચ ભોગવી શકે તેમ ન હોઈ પીપીપી ધોરણે સિટી બસ ચાલુ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી અને 8 જુલાઈએ સરકારને પ્રોજેક્ટ રીપોર્ટ મોકલ્યો હતો, જેમાં મેક્સન ફાઉન્ડેશન ટ્રસ્ટે સિટી બસ ચાલુ કરવા માટે તૈયારી બતાવી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે પાસની સગવડતા પણ દર્શાવવામાં આવી હતી.

ઉપરાંત સરકાર પાલિકાને 1 કિમીના રૂ. 16.50 લેખે 200 કિમી સુધી સરકાર આપશે, તેવી પણ વિગતો સામેલ કરી હતી. આ પહેલાં 24 ઓક્ટોબર, 2018માં સિટી બસ ચાલુ કરવા માટે ઠરાવ કરીને દરખાસ્ત મોકલાઈ હતી.

આ મુખ્ય 8 રૂટ પર બસ દોડશે
ધોળી પોળથી સુરેન્દ્રનગર થઈ રેલવે સ્ટેશન, ધોળી પોળથી દાળમિલ રોડ, થોળી પોળથી દૂધરેજ થઈ પતરાવાળી હોટલ, ધોળી પોળથી આરટીઓ થઇ 80 ફૂટ રોડ, રણજિતનગરથી આરટીઓ, રણજિતનગરથી દૂધરેજ, થોળી પોળથી જોરાવરનગર, થોળી પોળથી રતનપર બાયપાસ રૂટ નક્કી કર્યા હતાં.

સિટી બસ માટે જાણવા જેવી મહત્ત્વની વિગતો

  • શહેરમાં કુલ 8 રૂટ ઉપર 32 બસ દોડશે.
  • મહિને 80 હજાર જેટલો ખર્ચ, 18 કિમીનો રૂટ
  • 76 જગ્યાએ સ્ટોપ, 1.78 કરોડના ખર્ચે સ્ટોપેજ બનશે, અંદાજે 31 સિટની મિનિ CNG બસ રહેશે.
  • બસમાં જીપીઆરએસ સિસ્ટમ લગાવેલી હશે.

રૂ. 5થી લઈને રૂ. 12 સુધીનું ભાડું રહેશે સંયુક્ત પાલિકાએ તૈયાર કરેલી દરખાસ્તમાં બસના ભાડા માટે 2 કિમીથી માંડીને 14 કિમી સુધીના કુલ 7 સ્ટેપ નક્કી કર્યા હતા, જેમાં મિનિમમ ભાડું રૂ. 5, સૌથી વધુ 14 કિમીનું ભાડું રૂ. 12 નક્કી કરાયું હતું.

પાલિકા ટેન્ડર મગાવી બસ સેવા ચાલુ કરવા કાર્યવાહી કરશે
સરકારે સુરેન્દ્રનગર માટે જે બસ માટે રૂપિયાની ફાળવણી કરી છે, તેમાં હવે પાલિકાને પહેલાં દરખાસ્ત મુજબ ટેન્ડર સહિતની કાર્યવાહી કરવી પડશે. ત્યાર બાદ જે ભાવ આવે તેમાં 50 ટકા સરકાર આપશે અને પાલિકાએ સ્વભંડોળમાંથી 50 ટકા ખર્ચ કરવાનો રહેશે.’ - બી. સી. પટેલ, ચીફ એન્જિનિયર એન્ડ જનરલ મૅનેજર

લાલ બસ તરીકે ઓળખાતી સિટી બસમાં વર્ષે 30 લાખની ખોટ જતાં STએ બંધ કરી હતી
સુરેન્દ્રનગર, વઢવાણ શહેરની સાથે જોરાવરનગર, રતનપર, દૂધરેજમાં અંદાજે 22 વર્ષ પહેલાં એસટી તરફથી સિટી બસ દોડાવાતી હતી. પરંતુ વર્ષે અંદાજે રૂ. 30 લાખની ખોટ જતા સેવા બંધ કરી હતી. ત્યાર બાદ અર્કાન નામની કંપનીએ બસ ચાલુ કરી, જે દોઢ વર્ષમાં બંધ કરી દેવાઈ.

સિટી બસ કાયમ ચાલુ રાખવા માટે પાલિકા સામે પૂરતા મુસાફરનો મોટો પડકાર
સુરેન્દ્રનગરમાં એસટી તરફથી સિટી બસ દોડાવવામાં આવતી હતી ત્યારે લોકો પાસે વાહનો ખૂબ ઓછાં હતાં. ખાનગી વાહનોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. તેમ છતાં અસટીએ ખોટ જવાને કારણે સિટી બસ બંધ કરી દીધી હતી. આમ હવે જ્યારે શહેરમાં સિટી બસ ચાલુ થવા જઈ રહી છે ત્યારે અત્યારના સમયમાં લોકો પાસે વાહનો ખૂબ વધી ગયાં છે. વઢવાણથી સુરેન્દ્રનગર આવવા માટે અનેક ખાનગી વાહનોની લાઇનો લાગે છે ત્યારે સિટી બસ તેના સમયે ઉપાડી જ લેવી પડે જેમાં પૂરતા મુસાફરો ન મળે તો ખોટ જાય, તે સ્વાભાવિક છે. અગાઉ પણ આ કારણે જ સિટી બસો બંધ થઈ હતી ત્યારે પાલિકા સામે સિટી બસ ચાલુ રાખવામાં મુસાફરોની પૂરતી સંખ્યા અને આવકનો મોટો પડકારી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...