સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપમાં ગેરરીતી કરીને અનેક વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં 2502 વ્યાપારીક એકમોની ઓચીંતી મુલાકાત લઇ તપાસ કરવામાં આવી હતી અને 127 એકમો સામે વજનમાપ ધારાભંગ બદલ કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન 3659 એકમોના વિવિધ વજન માપના સાધનોની ચકાસણી કરી રૂ. 33.39 લાખની વસૂલાત કરાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી દ્વારા એપ્રીલ-21 થી ડિસેમ્બર-21 દરમિયાન વિવિધ 2502 વ્યાપારીક એકમોની ઓચીંતી મુલાકાત લીધી હતી. જેમાં તપાસ કરવામાં આવતા 127 એકમોની સામે વજનમાપ ધારાના ભંગ જેમ કે વજનમાં ઓછો જથ્થો આપવો, વજનમાપની ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વગર ઉપયોગમાં લેવા અને પ્રમાણિત વજનમાપના ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા બાબતે તેમજ પેકેજડ કોમોડીટી રૂલ્સ મુજબ છાપેલી એમ.આર.પી. કરતા વધારે ભાવ લેવા, પેકર તરીકેની નોંધણી ન કરાવવી, એમ.આર.પી.માં ચેકચાક કરવી, ભાવપત્રક પ્રદર્શિત ના કરવું જેવી ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ 127 એકમો પાસેથી ગુના ફી પેટે રૂ.1,49,000 વસૂલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના 3659 વેપારી એક્મોના વિવિધ વજનમાપનાં સાધનોની ચકાસણી મુદ્રાંકનની કામગીરી કરી ચકાસણી અને મુદ્રાંકનની સરકારી ફી પેટે રૂ.33,39,246 વસુલ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અધિકારી જે.એચ.આદેશરાના માર્ગદર્શન નીચે સર્વે નિરીક્ષકો આર. એસ. રાઠોડ, કુમારી કે. ટી.નિમાવત, એન.વી.ધરજીયા દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્ટાફના અન્ય કર્મચારી જે. આર. જાડેજા, ડી. ટી. પરમાર પણ આ કામગીરીમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.