સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાના ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. આમ છતાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના અનેક ગામડાઓ આજે સમસ્યાઓનો ભોગ બન્યા છે. અને આજે જ્યારે, અનેક ગામડાઓ સુવિધાઓથી વંચિત રહ્યા છે, ત્યારે હાલમાં ગામડાઓમાં પણ આ વખતે ચૂંટણીમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. અને કોઈપણ રાજકીય પક્ષે પોતાના ગામમાં પ્રવેશ ન કરવાની અનેક ગામડાઓએ હાલમાં ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી ગંભીર પાણીની સમસ્યા સર્જાયેલી છે. અનેકવાર મુખ્યમંત્રી તેમજ પંચાયતના સરપંચ તેમજ ધારાસભ્યોને અનેકવાર આ અંગેની રજૂઆતો કરી હોવા છતાં પણ આ પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા હાલમાં રાવળીયાવદરના ગ્રામજનોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી અને પોતાની પીવાના પાણીની સમસ્યા અંગેનો ચિતાર આપ્યો છે.
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા ગામ સહિત ખેતીલાયક સિંચાઈના પાણી તેમજ પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા સહિત ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીથી લોકો આજની તારીખમા પણ વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો, ધ્રાંગધ્રા તાલુકામાં મોટાભાગે નર્મદા કેનાલના પાણીથી ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ છે. પરંતુ 31 ગામોમાં સિંચાઈના પાણી ના મળવાથી આજે ખેડૂતોને હેરાનગતિનો વારો આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા સહિત અનેક ગામોમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે કફોડી હાલત બની છે. જેને હિસાબ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મુશ્કેલી સામે આવી રહી છે. હાલ શિયાળો સિઝનમાં ઘઉં, ચણા સહિતની ખેતીની સિઝન હોય, પરંતુ અપૂરતા પાણીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપે, જેથી કરીને શિયાળુ પાકનું વાવેતર કરી શકાય.
ચૂંટણીના બહિષ્કારની ચીમકી
ગ્રામજનો રાવળીયાવદરમાં કોઈપણના ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ હોય તો વાડીના કુવામાં ટ્રેક્ટર લઈ અને પાણી લેવા માટે જવું પડે છે. હાલમાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના લોકો ચૂંટણીના સમયે વિફર્યા છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે. અને હાલમાં મહિલાઓને એક કલાક સુધી લાઈનમાં ઊભા રહીએ ત્યારે માત્ર એક બેડું પાણી મળે છે. ત્યારે અનેકવાર અનેક રજૂઆતો કરવા છતાં પણ રાવડીયાવદર ગામ ખાતે કોઈપણ પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાના કારણે હાલમાં ગામમા ગ્રામજનો અને મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ગ્રામજનોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો છે. ત્યારે વધુમાં મહિલાઓ જણાવી રહી છે કે, કોઈપણ વ્યક્તિને ત્યાં લગ્ન કે પ્રસંગ હોય કે માતાજીનો માંડવો હોય ત્યારે કોઈના ખેતરમાં કૂવામાંથી ટ્રેક્ટર લઈ અને પાણીના ફેરા કરવા પડે છે. તેવી હાલમાં આ ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે. ચોમાસુ અને શિયાળુ અને ઉનાળામાં તો ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ ચૂંટણીમાં પાણી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ રાવરીયાવદર ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શાળાએ જતા બાળકોને પાણીનો સમય સાચવવો પડે છે
હાલમાં રાવળીયાવદર ગામની મહિલાઓ રોષ સાથે જણાવી રહી છે કે, ગામ ખાતે પાણીની ગંભીર સમસ્યા છે. અને તળાવો પણ ખાલી છે. આમ છતાં પણ સરકાર દ્વારા મુખ્યમંત્રી તેમજ ધારાસભ્ય અને ગામના સરપંચ સુધી પાણી અંગેની અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાના કારણે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલાઓ વધુ વિગત આપતા જણાવી રહી છે કે, અમારા ગામમાં જ્યારે પાણીનો સમય આવે ત્યારે ફરજિયાત દરેક પરિવારની બહેનોને અને દીકરીઓને લાઈનમાં ઊભા રહે ત્યારે પાણી પ્રાપ્ત થાય છે. બહેનો વધુ જણાવી રહી છે કે, જ્યારે પાણીનો સમય હોય ત્યારે અમારે અમારી બાળાઓને શાળાએ પણ ન મોકલવી અને પાણી માટે લાઈનમાં ઉભી રાખવાનો સમય આવે છે. ત્યારે હાલમાં અમારે મતદાન કરી અને આવા લોકોને ચુંટીને લાવવા અને અમારે આવી સમસ્યાનો ભોગ બનવું એ હવે અમને મંજૂર નથી, ત્યારે પાણી આપો અને વોટ લઈ જાઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.