કારતકમાં માવઠું:સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વરસાદી ઝાપટા, શિયાળું પાકોમાં નુકસાનની ભીતિ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કમોસમી વરસાદની આગાહીના પગલે સતર્કતા દાખવવાની સુરેન્દ્રનગર વહિવટી તંત્રએ ચેતવણી આપી
  • વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના ઉત્પાદિત માલને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાં છે. આ સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવણમાં પણ પલટો આવ્યો હતો અને જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પણ વરસ્યાં છે.

ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે શિયાળામાં ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનાં ઉપ સાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તારીખ 16મી નવેમ્બરથી બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધ્યું છે અને ભારતનાં મોટા ભાગમાં 18 થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રેથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થઇ ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે, વઢવાણ, ચુડા, લીંબડી અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં વધુ ઇફેક્ટ દેખાશે તેવી આશા પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભેજવાળા વાતાવરણથી અને વરસાદી ઝાપટા વચ્ચે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે વેચવા માટે આવેલા ખેડૂતોનો માલ સુરક્ષિત જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે. તેમજ અન્ય શાકભાજી ડુંગળી, બટાકા કે જે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત માલ વેચવામાં આવે છે તે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

બે દિવસ વરસાદની આગાહી
કમોસમી વરસાદની આગાહીને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદીત ખેત પેદાશના રક્ષણ માટે જરુરી કાળજી લેવા જણાવાયું છે.
જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદીત થયેલો પાક એટલે કે ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી તેમજ શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવા પણ જણાવાયું છે.
બાગાયતી પાકો જેવા કે, શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવુ અને કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા તથા ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા જણાવાયું છે.

આશરે 5000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર
જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં આજે સવારથી વરસાદી ઝાપટાં પડવાના શરૂ થઈ ચૂક્યા છે જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાં છે. જિલ્લાના ખેડૂતો દ્વારા આશરે 5000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જીરું, લીલોચારો, શાકભાજી અને તલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે આ વાવેતર કર્યું છે પરંતુ કમોસમી વરસાદી ઝાપટાં અને વાતાવરણમાં અચાનક ફેરફારના કારણે ખેડૂતોના જીવ હાલ તાળવે ચોંટી ગયા છે અને શિયાળુ પાકોમાં નુકસાની જવાની ભીતિ સેવાઇ છે.

રણના અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ
જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને સાવચેતીના ભાગરૂપે જાહેરનામાં પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તેમાં ખાસ કરી જિલ્લાના પાટડી ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે અને સૂચના પણ આપવામાં આવી છે કે, જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવું.

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સૂચના
​​​​​​​જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદને કારણે ખેડૂતો તેમની ઉપજ અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે રઝળપાટ કરી રહ્યાં હતા. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ઉભા પાક તેમજ ખેત પેદાશોના રક્ષણ માટે જરૂરી કાળજી લેવા જણાવાયું હતું. જે મુજબ ખેડૂતોએ તેમની ઉપજ એટલે કે ખેત પેદાશો અને ઘાસચારાને ગોડાઉનમાં સુરક્ષિત જગ્યાએ અથવા તાળપત્રીથી ઢાંકી રાખવાની સાથે સાથે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર પર વેચાણ માટેના કવર સાથે જવા જણાવ્યું છે. તેમજ જો શક્ય હોય તો ખેત પેદાશોનું વેચાણ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

આ સાથે બાગાયતી પાકો જેવા કે શાકભાજી, ફળો, મસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી જોઈએ અને શિયાળામાં ઉભા પાકમાં શક્ય હોય તો પિયત આપવાનું ટાળવું અને કમોસમી વરસાદના સંજોગોમાં પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...