વરસાદની અછત:સૂકાભઠ્ઠ પાટડીના રણકાંઠામાં વરસાદ ખેંચાતા જળસંકટ, તળાવના તળીયા દેખાયા

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂકાભઠ્ઠ પાટડીના રણકાંઠામાં વરસાદ ખેંચાતા જળસંકટ, તળાવના તળીયા દેખાયા - Divya Bhaskar
સૂકાભઠ્ઠ પાટડીના રણકાંઠામાં વરસાદ ખેંચાતા જળસંકટ, તળાવના તળીયા દેખાયા
  • પાટડી સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવના તળીયા દેખાયા
  • પાટડી ગામ તળાવમાં પણ માંડ સમ ખાવા પુરતું 25% જ પાણી

સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભુ થયુ છે. એક બાજુ સિંચાઇ ખાતા હસ્તકનું રણાસર તળાવ તળીયા ઝાટક બન્યું છે. બીજી બાજુ પાટડી ગામ તળાવમાં પણ સમ ખાવા પુરતું માંડ 25% પાણી જ બચ્યું છે. નર્મદા કેનાલો પણ સૂકીભઠ્ઠ થતા ખેડૂતો અને પીવાના પાણીના અભાવે રણકાંઠા વાસીઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે.

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા વરસાદ પ્રમાણમાં ઓછો પડે છે. એમાય હાલમાં રણકાંઠામાં વરસાદ ખેંચાતા અને બીજી બાજુ સરકાર દ્વારા નર્મદા કેનાલનું પાણી સદંતર બંધ કરાતા સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં જળ સંકટ ઘેરાયું છે.

પાટડીમાં આવેલા સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવના તળીયા દેખાવા લાગ્યાં છે અને તંત્રની મીઠી રહેમ નજર હેઠળ આ તળીયા ઝાટક રણાસર તળાવની અંદર જ ગેરકાયદેસર વાવેતર કરવામાં આવેલું છે. જ્યારે પાટડી ગામ તળાવમાં પણ માંડ સમ ખાવા પુરતું 25% પાણી જ બચ્યું છે. આ ગામ તળાવમાંથી પણ અસામાજીક તત્વો દ્વારા એન્જીનો અને મશીનો મુકી તંત્રની મીઠી રહેમ નજર હેઠળ પાણીની બેફામ પણે ચોરી કરવામાં આવે છે.

બીજી બાજુ રણકાંઠામાંથી પસાર થતી મોટા ભાગની કેનાલો સૂકીભઠ્ઠ અને ખાલીખમ હોવાથી અને બીજી બાજુ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. જ્યારે પીવાના પાણીના અભાવે રણકાંઠાના કેટલાક ગામોમાં તો આજેય ટેન્કર રાજ છે. હજી જો આગામી 8-10 દિવસ વરસાદ નહીં પડે તો સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર કટોકટી ઉભી થવાનો ભય છે.

અન્ય સમાચારો પણ છે...