તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ સંયુક્ત પાલિકામાં રબારી સમાજને 1 જ ટિકિટ ફાળવાતાં સમાજમાં નારાજગી ફેલાઈ હતી. સમાજને અન્યાય થયાની લાગણી સાથે રબારી સમાજે બેઠકોનો દોર શરૂ કરતાં ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઓ દોડતા થઈ ગયા હતા અને રોષ થાળે પાડવા મરણિયા પ્રયાસો કર્યા હતા. જોકે મોડી સાંજે સમજાવટ બાદ ભાજપના સ્થાનિક આગેવાનોએ રબારી સમાજની લાગણી પ્રદેશ સ્તરે પહોંચાડવા સાથે સમાજને સંગઠનમાં સ્થાન આપવાની બાંયધરી આપી હતી, જેને પગલે સમાજનો રોષ શાંત પડ્યો હતો.
બીજી તરફ પાલિકાના પૂર્વ પ્રમુખ અને જૈન અગ્રણી વિપિન ટોળિયાની ટિકિટ કપાતાં જૈન સમાજે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના મેસેજ ફરતા થયા હતા.ગત ચૂંટણીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા અલગ અલગ હતી તે સમયે સુરેન્દ્રનગર પાલિકામાં રબારી સમાજને 2 અને વઢવાણમાં 1 સભ્યને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે સંયુક્ત પાલિકા થયા બાદ આ ચૂંટણીમાં રબારી સમાજને એક જ ટિકિટ ફાળવાઈ છે અને તે પણ મહિલા બેઠક પર ફાળવાઈ છે. આથી નારાજ થયેલા સમાજના લોકો ભાજપ કાર્યાલયે દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી કે રબારી સમાજ કાયમને માટે ભાજપ સાથે રહે છે તો પછી શા માટે અન્યાય કરવામાં આવ્યો.
ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, વર્ષાબેન દોશી સહિતના ભાજપના મોટા માથા હાજર હતા. તેમણે રબારી સમાજની ટીકીટ કપાવા બાબતે એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.જૈન સમાજના આગેવાન વિપીનભાઇ ટોલીયા પાલિકામાંથી 2 વાર ચુંટાઇ આવ્યા છે. અને 2 વાર પ્રમુખ રહી ચૂકયા છે.વિજયભાઇ રૂપાણીના ખુબ જ નજીકના માનવામાં આવતા વિપીનભાઇએ શહેરમાં વિકાસ પણ સારો કર્યો હોવાનું પક્ષ માની રહ્યુ છે.
પરંતુ હાલ તેઓ કોરોનાની બીમારીને કારણે અમદાવાદ હોસ્પીટલમાં એડમીટ છે. આથી તેમની જગ્યાએ પુત્રની ટીકીટ માંગી હતી. પરંતુ પુત્રની ટીકીટ કાપવામાં આવતા જૈન સમાજના આગેવાનો નારાજ થઇ ગયા છે. બીજી બાજુ જૈન સમાજ જાગોના નામથી મેસેજ ફરતો થયો છે જેમાં નામ લખ્યા વગર જૈન સમાજના અગ્રણીનું જ આ કામ હોવાનું કહી સમાજના લોકો મતદાનનો વિરોધ કરશે તેવુ જણાવવામાં આવ્યુ છે.
બીમારીને કારણે વિજયભાઈએ જ ના પાડી છે
વિપીનભાઈની ટીકીટ કાપવાની કોઇ વાત જ નથી આવતી. પરંતુ હાલ તેઓ હોસ્પીટલમાં એડમીટ છે. આથી પહેલા તેમની તબીયત મહત્વની છે. તેમને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પારિવારીક સંબંધ છે. દોડતા કાર્યકરની ટીકીટ ભાજપ કાપે જ નહી. પરંતુ વિજયભાઇએ જ આ નિર્ણય લીધો છે. અને તેમના પરિવારના પણ જાણે છે. આ તો 2-4 લોકો છે જેઓ માત્ર પોતાના સ્વાર્થ ખાતર આખા સમાજનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે.’ - વર્ષાબેન દોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને જૈન સમાજના અગ્રણી
રબારી સમાજને સંગઠ્ઠનમાં સ્થાન આપીશું
ટિકિટની ફાળવણી થાય ત્યારે અસંતોષ થાય તે સ્વાભાવિક છે. પક્ષ બધાયને ટિકિટ ન આપી શકે. રબારી સમાજના લોકોએ રજૂઆત કરી હતી. જેમની રજૂઆત સાંભળી છે. સમાજના આગેવાનો સાથે પણ વાતચીત કરી છે. રબારી સમાજના લોકોને સંગઠ્ઠનમાં સારું સ્થાન આપવામાં આવશે.’ - ધનજીભાઈ પટેલ, ધારાસભ્ય
પાલિકામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
નામ જાહેર થયા બાદ શુક્રવારે પાલિકાનું ગ્રાઉન્ડ ઉમેદવારોથી ભરેલુ રહ્યુ હતુ. જેમાં ખાસ કરીને ભાજપના ઉમેદવારો ટેકેદારો અને ઢોલ નગારા સાથે ફોર્મ ભરવાના શ્રીગણેશ કરી દીધા હતા. છતા હજુ ઘણા ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી છે. આ વખતની ચૂંટણીમાં ફોર્મની સાથે ઘણી વિગતો ભરવાની હોવાને કારણે દાખલા અને સોગંધનામા સહિતના કાગળો તૈયાર કરવા માટે ઉમેદવારોને દોડધામ કરવી પડી હતી.
જાહેરાત વિના કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
કોંગ્રેસ પોતાના ઉમેદવાર શુક્રવારે જાહેર કરશે તેવી વાત હતી પરંતુ નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. પરંતુ શુક્રવારે કોંગ્રેસના ઉમેદવારોએ નામ જાહેર થયા વગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી હતી. પક્ષ તરફથી એવી વિગતો જાણવા મળી હતી કે જે લોકોને ટીકીટ આપવાની છે તેમને સૂચના આપી દેવામાં આવી છે. અત્યારે તમામ ઉમેદવાર ફોર્મ ભરી દેશે. બાદમાં મેન્ડેટ જોડી દેવામાં આવશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની કૉંગ્રેસની રાવ
સુરેન્દ્રનગર નગરપાલીકામાં ફોર્મ ભરતા સમયે અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ ખડકી દેવાઇ છે. ઉમેદવારોની યાદી જાહેર થતા શુક્રવારે ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારો ઢોલ-નગારા અને ડીજે સાથે આવતા હતા. ત્યારે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. 7ના ઉમેદવાર ગીરીરાજસિંહ ઝાલાએ કાયદા માત્ર કોંગ્રેસ માટે હોવાનું કહી પોલીસ હોવા છતાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતુ હોવાની રાવ કરી હતી.
જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભરાયેલાં ફોર્મ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ | બેઠકો | ભરાયેલ ફોર્મ |
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત | 34 | 93 |
ચોટીલા નગરપાલિકા | 24 | 85 |
ધ્રાંગધ્રા નગરપાલિકા | 36 | 32 |
લીંબડી નગરપાલિકા | 28 | 47 |
પાટડી નગરપાલિકા | 24 | 27 |
સંયુકત નગરપાલિકા | 52 | 84 |
ચોટીલા તાલુકા પંચાયત | 18 | 98 |
ચૂડા તાલુકા પંચાયત | 16 | 15 |
દસાડા તાલુકા પંચાયત | 22 | 40 |
ધ્રાંગધ્રા તાલુકા પંચાયત | 20 | 21 |
લખતર તાલુકા પંચાયત | 16 | 59 |
લીંબડી તાલુકા પંચાયત | 18 | 29 |
મૂળી તાલુકા પંચાયત | 18 | 55 |
સાયલા તાલુકા પંચાયત | 20 | 32 |
થાન તાલુકા પંચાયત | 16 | 33 |
વઢવાણ તાલુકા પંચાયત | 18 | 49 |
હળવદ તાલુકા પંચાયત | 20 | 36 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.