સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા તેમજ કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેરકાયદેસર કબજો કરવાની પ્રવૃત્તિ નાબુદ કરવા લોક સંપર્કનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટરો તથા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા માટે સમગ્ર જિલ્લા વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામા આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજીત આ લોકસંપર્કનાં અગાઉના તબકકામાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી ખાતે કુલ-7 લોકસંપર્ક કાર્યક્રમ કરવામાં આવતા પ્રજા દ્વારા સારો એવો પ્રતિસાદ સાંપડ્યોં હતો. પીડિત નાગરીકો દ્વારા કરવામા આવેલી રજુઆત/ફરીયાદોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતુ. જે મુહિમને આગળ ધપાવવા તેમજ વ્યાજખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરી વ્યાજખોરી સંપુર્ણ નાબુદ કરવા, માથાભારે લુખ્ખા, આવારા તત્વો દ્વારા શહેરના સારા અને પ્રતિષ્ઠિત નાગરીકોની કિંમતી જમીન તથા મિલ્કતો ઉંપર ગેર-કાયદેસર કબજો કરી પોતાની ધાક જમાવી, કિંમતી જમીન તથા મિલ્કતો પચાવી પાડવી, ખંડણી માંગવી, જેવી અસમાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. આ લોકસંપર્કમાં વ્યાજખોરો સામે ભોગ બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાગરીકોને વ્યાજ ખોરીમાંથી મુકત કરાવી વ્યાજ ખોરીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે.
જે કોઇ વ્યકિતએ નાણા ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલી હોય તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ, ચેક અને તેઓને આપેલા નાણા/વ્યાજ ચુકવી આપેલી હોય છતાં છેતરપિંડી કે વિશ્વાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે અને તેમની રજૂઆતો સાભળી સંપુર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે.
આ સિવાય માથાભારે તત્વો દ્વારા જમીન તથા મિલ્કતો ઉપર ગેર-કાયદેસર કબ્જો કરેલ હોય અને જે કબ્જો ખાલી કરતા ન હોય તેવા પીડિત માણસોને પણ સાંભળવામાં આવશે. જેથી આ લોકસંપર્કમાં રજુઆત કરી એક તક પોલીસને આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરીકોને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.