લોકોને વાહન કે મોબાઇલ સહિતના ચોરીના બનાવમાં ફરિયાદ લખાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે લોકો પોતાના ઘરે બેઠા બેઠા કે પછી વાડીએથી પણ ફરિયાદ નોંધાવી શકે તે માટે સરકારે ઇ એફઆરઆઇ લોન્ચ કરી છે. દરેક વ્યક્તિ ચોરીના કિસ્સામાં તેનો ઉપયોગ કરે અને તેમાં સાચી વિગતો ભરે તે ખૂબ જરૂરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ સેમિનારમાં જણાવ્યું હતું.
અન્ય ક્ષેત્રોની સાથે વર્તમાન સમયે પોલીસ તંત્રને પણ ટેકનોલોજીથી સજજ કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર સિટિઝન, ગુમ, એફઆરઆઇની નકલ મેળવવી આવી 14 જેટલી સેવા ઓનલાઇન કરવામાં આવી છે. જોરાવરનગરની સવા શાળા ખાતે વધુ એક ઇ એફઆરઆઇના માર્ગદર્શન માટેનો સેમિનાર સોમવારે યોજાઇ ગયો. જેમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દૂધાતે લોકોને આ ઇ એફઆરઆઇ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. અને તેનો લાભ લેવા પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી શકે તે માટે સાચી વિગતો જણાવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનથી કેવી રીતે માહિતી મેળવવી તેની પણ સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ડીવાયએસપી એચ.ટી.દોશી,પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, માકાસણા ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ જંખનાબેન ચાપાનેરી, સદસ્ય જીતેન્દ્રસિંહ ચાવડા, ભાવેશભાઇ પ્રજાપતી, પ્રિન્સિપાલ હર્ષીદાબેન સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.