જિલ્લામાં પ્રથમવાર ડ્રોન થકી સર્વે:સુરેન્દ્રનગરના 578 ગામોની ગામતળની જમીનનો ડ્રોન થકી ડિઝીટલ સર્વે કરી માલિકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના 578 ગામોની ગામતળની જમીનનો ડ્રોન થકી ડિઝીટલ સર્વે કરી માલિકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે
  • કલેક્ટરની અધ્યક્ષતામાં વઢવાણ તાલુકાના રઇ ગામથી ગામથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી
  • વઢવાણ તાલુકાનો સર્વે તા.17 મે સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
  • ગામતળની જમીનનો સર્વે થઇ ગયા બાદ ગ્રામજનોની જમીનને લગતી અનેક સમસ્યાનો અંત આવશે

સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાના લોકો ખાસ કરીને ગામતળની જમીનને લઇને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિયમ અનુસાર ગામમાં દર ચાર વર્ષે જમીનની આકરણી કરવાની હોય છે. પરંતુ મોટા ભાગના ગામોમાં વર્ષો સુધી આકરણી કરવામાં આવતી નથી. આ તમામ સમસ્યાના અંત માટે સરકારે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે, જેના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 578 ગામડામાં ગામતળની જમીનની ડ્રોનની મદદથી સર્વે થશે. જેમાં વઢવાણ તાલુકાના 39 ગામથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જે ઢવાણ તાલુકાના રઇ ગામથી શરૂ થતાં ગામતળનો આવી રીતે સર્વે જિલ્લામાં સૌ પ્રથમવાર થઇ રહ્યો છે.

ઝાલાવાડના ગામડાઓ પણ વર્તમાન સમયે સમૃદ્ધ બનતા જાય છે. આધુનિક સુવિધાઓથી સજ્જ બનીને ખેતીની સાથે અન્ય વ્યવસાય થકી ગામડાના લોકો પણ અર્થિક રીતે મજબુત બની રહ્યા છે અને આથી જ ગામડામાં પણ નવા મકાનો બની રહ્યા છે. પરંતુ અત્યાર સુધી ગામતળની જમીનના રેકર્ડ માત્ર રજીસ્ટરમાં જ રહેતા હતા. ઘણા લોકોએ તો પોતાની મિલકતો પંચાયતના ચોપડે ચડાવી પણ નથી. આથી પોતાની મિલકત હોવા છતા માલિકને બીજા કોઇ લાભ મળતા ન હતા.

ત્યારે તાજેતરમાં 15મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામતળની જમીનનો સર્વે કરવાની જાહેરાત કરી હતી. જેના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 578 ગામડામાં ગામતળની જમીનનો ડ્રોનથી સર્વે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ પ્રાયોગિક ધોરણે વઢવાણ તાલુકાના 39 ગામમાં આધુનિક પદ્ધતિથી સર્વે કરવામાં આવશે.

આમ સરકારની આ સ્વામિત્વ યોજનાને સફળ બનાવવા માટે કલેક્ટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં કાર્યવાહી વઢવાણના રઇ ગામથી શરૂ કરવામાં આવી હતી. જેમાં વઢવાણ તાલુકાના ગામોમાં આગામી તા. 17 મે, 2022 સુધીમાં સર્વે પૂર્ણ કરીને રેકર્ડ તૈયાર કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જિલ્લાના બાકીના તાલુકાના ગામડાઓમાં પણ આ રીતે ડ્રોનની મદદથી ગામતળની જમીનનું સર્વે કરવામાં આવશે. આ માટે ખાસ કમીટીની રચના પણ કરવામાં આવી છે જેના અધ્યક્ષ કલેક્ટર છે. ગામતળની જમીનનો સર્વે થઇ ગયા બાદ ગ્રામજનોની જમીનને લગતી અનેક સમસ્યાનો અંત આવશે.

આ અંગે સુરેન્દ્રનગર લેન્ડ એન્ડ રેકોર્ડના સુપ્રિટેન્ડન્ટ જીગ્નાશાબેન શ્રોફે જણાવ્યું હતું કે ગ્રામ્યવિસ્તારોમાં મિલકતો માપણી કરી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં સમાવિષ્ટ કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જેથી તેમને લિગલ રાઇટ્સ મળે તથા મિલકત ધારક તેમની મિલકત પર નાણાકીય લોન, ધિરાણ મેળવી શકે તથા ગ્રામીણ વિસ્તારના લોકોને આર્થિક સંપતિ તરીકે મિલકતનો લાભ મળશે. જ્યારે આ સર્વે થકી ગ્રામીણ આયોજન માટે જમીન રેકોર્ડ સચોટ બનાવવા, મિલકત વેરા નક્કી કરવા, સર્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઆઇએસ નકશા બનતા અન્ય કોઇ પણ સરકારી વિભાગ તેમના ઉપયોગમાં પણ લઇ શકશે. ગામના સંપતિ વિવાદ અને કાનુની કેસોમાં ઘટાડો થશે.

વઢવાણ તાલુકાના આ ગામનો સમાવેશ કરાયોઅધેલી, અણીન્દ્રા, બાકરથળી, બાળા, બલદાણા, ભડીયાદ, ભદ્રેશી, ચમારજ, દેદાદરા, ફુલગ્રામ, ગોમટા, ગુંદીયાળા, કરણગઢ, કારીયાણી, કટુડા, ખજેલી, ખમીસણા, ખારવા, ખોલડીયાદ, કોઠારીયા, લટુડા, માળોદ, મોટામઢાદ, નાનામઢાદ, મુંજપર, નગરા, નાના કેરાળા, પ્રાણગઢ, રઇ, રાજપર, રામપરા, રૂપાવટી, સાંકળી, ટીંબા, ટુવા, વાડલા, વડોદ, વાઘેલા, ઝાંપોદર

આ રીતે સર્વે કરવામાં આવશે કેન્દ્ર સરકારની આ યોજના માટે મહેસુલ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, સર્વે ઓફ ઇન્ડીયા સાથે મળી કામ કરશે. જેમાં કોન્ટીન્યુઅસ ઓપરેટીંગ રેફરન્સ સ્ટેશન સ્થપાશે. ત્યારબાદ લોકોને સમજ આપવા ગ્રામસભા યોજી પેપ્લેટ, બેનર, જાહેરાતથી સમજ અપાશે. ત્યારબાદ ગામમાં સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં મિલકતની ફરતે ચુનાની લાઇનની બાઉન્ડ્રી બનાવવામાં આવશે. જેનો ડ્રોનની મદદથી ફોટો સર્વે કરી મિલકતનો નકશો બનાવી માપણી કરી નકશા તૈયાર કરવામાં આવશે. આ નકશા અને માપણીના રેકોર્ડસ ઓફ રાઇટ્સમાં સમાવેશ કરી પ્રોપર્ટીકાર્ડ અપાશે.

અન્ય સમાચારો પણ છે...