જાહેર હિતમાં નિર્ણય:સુરેન્દ્રનગરમાં સાંજના 6થી સવારના 6 વાગ્યા સુધી રેતીના વેચાણ/હેરાફેરી પર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં સાંજના 6થી સવારના 6 વાગ્યા સુધી રેતીના વેચાણ/હેરાફેરી પર પ્રતિબંધ - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં સાંજના 6થી સવારના 6 વાગ્યા સુધી રેતીના વેચાણ/હેરાફેરી પર પ્રતિબંધ
  • સૂર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ
  • જાહેર શાંતિ અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે હેતુથી નિર્ણય લેવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના તથા અન્ય જિલ્લાના ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવરજવર કરતી વ્યક્તિ, પશુઓ વગેરેને અકસ્માત થવાના પ્રસંગો બનતા હોઇ, સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનાદારોના ડમ્પર, ટ્રક વગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઇવે તેમજ કાચા પાકા રસ્તાઓ થકી થાય છે. જેના કારણે રાત્રિના અકસ્માતોના બનાવ વધવા પામ્યા છે. સૂર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

રાત્રિના સમયે થતા રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનારા પરવાનેદારને ગામ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડરો/રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોવાથી રજુઆતો/ફરિયાદો પણ કરવામાં આવે છે. રાત્રિના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારાનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃતિને ઉત્તેજન મળે છે. જેથી ગેરકાયદેસર રેતીનું વહન અટકે, જાહેર શાંતિ અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનારા દ્વારા થતાં રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી જણાય છે.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. ડી. ઝાલાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1) અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ આ જાહેરનામામાં જણાવ્યા મુજબ તા. 20/04/2022 સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં સાંજના 6-00 કલાકથી સવારના 6-00 કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે. તથા ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ એક્ટ અન્વયે રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા/નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...