સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન થતી રેતી અને ખનીજની હેરફેરના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જ્યારે રાત્રિ દરમિયાન ગેરકાયદે ખનીજ ખનને કારણે ખનીજ પરવાનેદારોને લોકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડતું હોવાથી સમસ્યા સર્જાય છે. આથી અધિક મેજિસ્ટ્રેટે જિલ્લામાં સાંજે 6થી સવારના 6 સુધી રેતીના વેચાણ કે હેરાફેરી પર તા. 17 મે-2022 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે કરાવનાર દંડ સજાને પાત્ર થશે.
સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનેદારો અને ગેરકાયદેસર ખનીજ વહન કરનારા ડમ્પર, ટ્રક વગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઇવે તેમજ કાચા પાકા રસ્તા થકી થાય છે. રાત્રી દરમિયાન જાહેર અવરજવર કરતી વ્યક્તિ કે પશુઓ વગેરે સાથે અકસ્માત થવાના બનાવો વધ્યા છે. જ્યારે ગેરકાયદે ખનને કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદારોને ગામલોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. જેથી નાગરિકો દ્વારા રેતી લીઝ હોલ્ડરો સામે અવારનવાર રજૂઆત ફરિયાદો પણ ઊઠી છે.
આથી ગેરકાયદે રેતીનું વહન અટકે, જાહેર શાંતિ સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓ પર અકસ્માત ન થાય માટે જનતાના હિતમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ઝાલાને મળેલી સત્તાની રૂએ જિલ્લામાં તા.17-5-2022 સુધી સાંજે 6થી સવારે 6 સુધી પ્રતિબંધ મુકેલ હોવાથી સૂર્યોદય થતા પહેલા અને સૂર્યાસ્ત બાદ રેતી વેચાણ કે હેરાફેરી પર કાયદાથી પ્રતિબંધ મુકેલ છે. આ જાહેર નામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર કે કરાવનાર શખ્સ 3 માસ સુધી કેદની સજા તથા દંડને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.