કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ:સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર સહિતના સ્થળોએ કાર્યક્રમો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલા કોંગ્રેસના બંધના એલાનને પગલે સજ્જડ બંધ રહ્યું. - Divya Bhaskar
સાયલા કોંગ્રેસના બંધના એલાનને પગલે સજ્જડ બંધ રહ્યું.
  • આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાતાં રોષ
  • સરકારે લોકશાહીમાં વિરોધ કરવાનો હક પણ નથી રહેવા દીધો : જિલ્લા પ્રમુખ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી, મંદી, અર્થતંત્રને નુકસાન, મહિલા અત્યાચાર સહિતના પ્રશ્ને બંધનું એલાન કર્યું હતું. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ બંધનું એલાનને પગલે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.જેમાં શહેરમાં બંધ માટે નીકળે તે પહેલા આગેવાનોની પોલીસે અટકાયત કરતા રોષ વ્યક્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, મોહનભાઇ પટેલ, શોભનાબેન ગોવિંદીયા સહિતના આગેવાનો શહેર બંધ માટે નિકળ્યા હતા. જે વેપારીઓએ સમર્થન આપ્યું તેમનું ગુલાબના ફૂલ આપી સન્માન કર્યું હતું. પરંતુ સીટી એડ િવિઝન પોલીસ મથકે અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમને સાહિર સોલંકીની તેમના ઘેરથી અટકાયત કરી પોલીસ સ્ટેશન લવાયા હતા. આ અંગે પ્રમુખ રૈયાભાઇ રાઠોડે જણાવ્યું કે લોકોની સમસ્યા ઉજાગર કરવા આ બંધનું એલાન હતું. પરંતુ લોકશાહીમાં વિરોધ કરવાનો હક્ક પણ નથી રહેવા દીધો ભાજપ સરકારે. કોંગ્રેસના બંધના એલાન પણ શહેરની મુખ્ય બજારો ખુલ્લી રહેવા પામી હતી.

વઢવાણ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બંધ એલાનને સફળ બનાવવા વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં દેખાવો કરાયા હતા. ત્યારે વઢવાણ પોલીસ દ્વારા બી.કે.પરમાર, કિશોરભાઈ ચાવડા, વિપુલભાઈ મકવાણા, હરીભાઇ સોલંકી દસાડા અને દીલીપભાઇ ડગલાની અટકાયત કર્યા બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.

લીંબડી : કોંગ્રેસના મોંઘવારી મુદ્દે બંધના એલાનને અંદરખાને ભાજપના સહકારથી લીંબડીમાં મોટી સફળતા મળી હતી. શહેરની 80 ટકા જેટલી દુકાનો બંધ રહી હતી. મોંઘવારીથી ત્રસ્ત વેપારીઓએ તો સ્વૈચ્છિક બંધ પાળી કોંગ્રેસના વિરોધને સમર્થન આપ્યું હતું. સાથે જ ભાજપના અનેક કાર્યકરો કે તેમના પરિવારજનોએ પોતાની દુકાન-ધંધા બંધ રાખી મોંઘવારી મુદ્દે પોતાના મનમાં રહેલો છૂપો રોષ પ્રગટ કર્યો હોય તેવું લાગ્યું હતું. સ્વૈચ્છિક બંધ પાળી લોકોએ સત્તારૂઢ પાર્ટી સામે જે રોષ દેખાડ્યો છે. તે જોતાં લાગી રહ્યું છે કે આગામી સમયમાં સરકારે મોંઘવારી મુદ્દે ગંભીર વિચાર કરવો પડશે.

થાનમાં ધારાસભ્ય સહિત આગેવાનો બંધ માટે નીકળતા અટકાયત કરાઈ.
થાનમાં ધારાસભ્ય સહિત આગેવાનો બંધ માટે નીકળતા અટકાયત કરાઈ.

ચુડા | મોંઘવારી, બેરોજગારી અને કાયદા વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા શનિવારે બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન અપાયું હતું. ચુડા શહેરમાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મુખ્ય બજારની અમુક દુકાનો બંધ તો અમુક વેપારીઓએ ધંધા-રોજગાર ચાલું રાખ્યાં હતા. જો કે ભાદરવી પૂનમને કારણે પણ અમુક વેપારીઓની દુકાનો બંધ રહી હતી.

મૂળી | ભારતબંધનાં એલાન વચ્ચે મૂળી શહેરમાં જાણે કોઇ બંધને સમર્થન જ ન હોય તેમ દરેક દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી.

ધાંગધ્રા | મોંઘવારીના મુદ્દે કોગ્રેસ દ્વારા આપેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ત્યારે બજારમાં અમુક દુકાનો બંધ જોવા મળી હતી અને શાકમાર્કેટ ખાણીપીણીની લારી ગલ્લા અને બજારમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. કોંગ્રેસના આગેવાનો ધ્રાંગધ્રાની બજારમાં ફરી વેપારીઓને દુકાનો બંધ કરાવા માટે અપીલ કરી હતી.

લખતર | લખતર શહેરમાં ભારત બંધની નહીંવત અસર દેખાઈ હતી. લખતર બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ મેઈન બજારમાં ગણી ગાંઠી દુકાનો જ બંધ જોવા મળી હતી. તેમાં પણ વર્ષોથી પૂનમના દિવસે અમુક દુકાનો બંધ હોવાનું જાણવા મળ્યું હતું. તો બંધની અપીલ કરવા કોઈ કાર્યકર્તા પણ ન આવ્યા હોવાનું વેપારીઓમાં ગણગણાટ થતો હતો.

થાન | થાનમાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા, થાનગઢ શહેર કોગ્રેસ પ્રમુખ મંગળુભાઇ ભગત, વિરોધપક્ષ નેતા થાન પાલિકા હર્ષદ પાટડિયા,પાલિકા સદસ્ય બાપાલાલ ઝાલા, પ્રતાપ બાવળિયા, યુથ કોગ્રેસ પ્રમુખ હસમુખ ચાવડા, વેપારી એસો.પ્રમુખ સુભાષ શાહ સહિત આગેવાનો ગામમાં બંધને સમર્થન આપવાની માગ સાથે વેપારીઓને મળ્યા હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી બાદમાં મુક્ત કરાયા હતા.

સાયલા | સાયલા શહેરમાં વેપારીઓએ સવારથી પોતાના રોજગાર, કામ ધંધા અને વેપારથી અળગા રહ્યા હતા અને મોટી સંખ્યામાં રહેલા કેબિન ધારકો પણ બંધમાં જોડાઇને સજજડ બંધનો જોડાયા હતા. જેના કારણે બંધનો સારો પ્રતિસાદ રહ્યો હતો. અજયસિંહ ઝાલા, પિન્ટુ જાડેજા, વિરસંગ અઘારા, ત્રિકમ પટેલ, અરવિંદ મોરી સહિતના ક્રોગ્રેસના આગેવાનોએ શહેરમાં શાંતિપૂર્ણ બંધ રહે તે માટે જહેમત ઉઠાવી હતી.

હળવદ | હળવદમાં સવારથી જ કોંગ્રેસના કાર્યકરો હળવદની બજારોમાં દુકાન ધંધા બંધ કરવા રસ્તા ઉપર નીકળી ગયા હતા. અને વેપારીઓને દુકાન ધંધા બંધ કરવાની અપીલ કરી હતી. જોકે મોટાભાગની દુકાનો દર શનિવારે બંધ જ રહેતી હોય છે. પરંતુ અમુક પાણીપુરી અને સોડા શરબતની લારીઓ અને દુકાનો ચાલુ હતી તે દુકાનો બંધ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.એમ. રાણા, શૈલેષભાઈ દવે, હેમાંગભાઈ રાવલ, દિનેશભાઈ મકવાણા, બ્રિજેશભાઈ મહેતા સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...