ચૂંટણી પંચના નિર્ણયથી લોકોમાં રોષ:સુરેન્દ્રનગરની 32 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 10 ટકા OBC અનામત રદ કરાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાબતે ચોટીલાના ધારાસભ્યે ઓબીસીને અન્યાય અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની 32 ગ્રામ પંચાયતો અને 122 ગ્રામ પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીમાં 10 ટકા ઓ.બી.સી અનામત રદ કરીને આ બેઠકો સામાન્ય ગણીને ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવાનો આદેશ કર્યો છે. આ નિર્ણયથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. ચોટીલાના ધારાસભ્યે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી ઓ.બી.સી વર્ગને અન્યાય ન થાય તે જોવા રજૂઆત કરી છે.​​​​​​

અનામત ધ્યાને લીધા સિવાય ચૂંટણી યોજવા કવાયત
ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પડનાર છે. જેમા સુરેન્દ્રનગર જિલ્લામાં 32 ગ્રામ પંચાયતોના 270 સભ્યો અને 32 સરપંચો તેમજ 122 ગ્રામ્ય પંચાયતમાં ખાલી પડેલી 174 સભ્યો અને 6 સરપંચોની પેટા ચૂંટણી યોજાનારી છે. જેમાં ઓ.બી.સી વર્ગ માટે સભ્યોની 49 અને સરપંચની 9 બેઠકો અનામત છે. તાજેતરમાં ચૂંટણીપંચે દસ ટકા ઓબીસી અનામત ધ્યાને લીધા સિવાય ચૂંટણી યોજવા આદેશ આપ્યો છે. અગાઉની સરકારોએ સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગો (ઓ.બી.સી)માટે દસ ટકા અનામતની જોગવાઈ કરી હતી.

વસ્તીના આધારે માપદંડો નિયત કરવા માટે આદેશ
તેની સામે સુપ્રિમકોર્ટે તા.19 જાન્યુઆરી 2022ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામતનું પ્રમાણ અને રોટેશન સંદર્ભે નવેસરથી કમીશનની રચના કરીને વસ્તીના આધારે માપદંડો નિયત કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ ગુજરાતમાં ઓબીસી અનામતની પુન: સમીક્ષા માટે કોઈ કાર્યવાહી થઈ નહોતી. હવે બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચુંટણી યોજવાની છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે 10 ટકા ઓબીસી અનામત (મહિલા અનામત સહિત)ને સમાપ્ત કરીને આવી તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચુંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.

ચોટીલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ચૂંટણી પંચના આદેશ મુજબ આગામી દિવસોમાં યાજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની 32 ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત સભ્યો માટેની 49 અને સરપંચની 9 બેઠકો સામાન્ય બેઠક ગણવામાં આવશે અને આ બેઠકો ઉપર બિન અનામત વર્ગના નાગરિકો પણ ઉમેદવારી કરી શકશે. બીજી તરફ ચૂંટણી પંચના આ નિર્ણયથી ઓબીસી મતદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઓબીસી વર્ગને થઈ રહેલા આ અન્યાય અંગે સરકાર કક્ષાએથી યોગ્ય પુન: વિચારણા કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...