સહકારી મંડળી કૌભાંડ:પોલીસે હાજર 105માંથી માત્ર 20 સભ્યોનાં જ નિવદેન લીધાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળી કૌભાંડ
  • ભાજપના મોટા માથા કેસને દબાવવામાં દોડધામ કરતા હોવાની ચર્ચા

સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળીમાં કરવામાં આવેલા કથિત કરોડોના કૌભાંડનો મામલો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આ મામલે આરોપીઓ સામે કેસ દાખલ કરવા માટે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જ્યારે બોર્ડની બેઠક મળી હતી ત્યારે કુલ 105 સભ્યો હાજર બતાવવામાં આવ્યા હતા. જ્યારે અરજીની તપાસમાં પોલીસે અત્યાર સુધીમાં માત્ર 20 સદસ્યોના જ નિવેદનો લીધા છે.

ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળી ફડચામાં ગઇ હતી તેમ છતા મંડળીમાં પડેલા રૂ.9 કરોડના ભંડોળનો ઉપયોગ કરવા માટે બોગસ પુરાવા ઊભા કરીને મંડળી ફરીથી ચાલુ કરીને દેદાદરા ગામમાં જમીન ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની રજૂઆત મંડળીના સદસ્ય વજુભા ગોહીલે પોલીસને તમામ પુરાવાઓ રજૂ કરી કેસ દાખલ કરવા અરજી કરી હતી.

જેને ઘણા દિવસો થઇ ગયા છતા હજુ પોલીસની તપાસ પૂરી ન થતા અનેક સવાલો ખડા થયા છે. જયારે બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કુલ 105 સભ્યો હાજર હતા. ત્યારે અત્યાર સુધીમાં પોલીસે માત્ર 20 સદસ્યોના જ નિવેદનો લેતા અનેક સવાલો ખડા થયા છે. શહેરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ કેસની સાચી તપાસ થાય તો ભાજપના મોટા માથાના કૌભાંડમાં નામ ખુલી શકે છે. અને આથી જ મોટા નેતાઓ કેસને દબાવી દેવા માટે દોડધામ કરી રહ્યાં છે.

અરજીના આધારે તપાસકર્તા પીએસઆઈ એસ.બી. સોલંકીએ આ મામલે જણાવ્યું કે, સમગ્ર મામલો જિલ્લા રજિસ્ટ્રાર તંત્રનો છે, તેમને જો ગુનાહિત લાગ્યંુ હોય કે ખોટું લાગતું હોય તો જે પુરાવાઓ આપે તેના આધારે તેઓ ગુનો દાખલ કરી શકે છે. હાલ અરજીના આધારે તપાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...