સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોને ઝડપવા ખાસ ઝુંબેશ હાથ ધરી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોટીલામાં આયોજીત લોક દરબારમાં છ વ્યાજખોરો સામે ગુનો નોંધી બે વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડ્યાં હતા.
સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા તેમજ આવી અસામાજીક પ્રવૃતિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના હેતુથી રાજ્યકક્ષાના ગૃહ મંત્રીએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપી છે. જે સુચના અનુસંધાને તા.5/1થી તા.31/1 સુધી તેના વિરૂધ્ધ ખાસ ઝુંબેશ સ્પે.ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલુ છે.
જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી થઈ શકે તેમજ સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 અન્વયે લોકોમાં જાગૃતી કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઈસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદેશથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ( પોલીસ સર્કીટ હાઉસ, અમદાવાદ-રાજકોટ હાઈવે રોડ ) ખાતે અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો.અધિ. હરેશકુમાર દૂધાત, તેમજ સી.પી. મુંધવા, ના.પો.અધી. લીંબડી ડીવી. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની આગેવાનીમાં એક વિશાળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક દરબારમાં આગેવાનો, સરપંચો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો તથા સીરામીક એસો.ના માણસો તથા નાના ફેરીયાઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજીવાળા, વેપારીઓ, ખેડુતો, વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા નાગરીકો એમ મળી આશરે 350 નાગરીકો ભેગા થયા હતા. તેમજ લીંબડી ડીવી. વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યાં હતા. આ લોક દરબારમાં આવેલા નાગરીકોએ અલગ અલગ રજૂઆતો કરેલી હોય જે પૈકી નાગરીકોની રજુઆત આધારે ઈ-લીગલ મની લેન્ડીંગ કલમ હેઠળ તાત્કાલીક ધોરણે બે એફઆઈઆર સ્થળ પર નોંધવામાં આવી હતી.
જેમાં સાયલા પો.સ્ટે. ઈ.પી.કો. ક-506 (2) તથા ગુજરાત નાણા ધીરધાર અધિ.2011ની ક-533 (3), 40-42 મુજબ આરોપીઓ દલસુખભાઈ ઉર્ફે દોલાભાઈ નાનુભાઈ ચાવડા રે. રામપરા તા.વઢવાણ એપ્પલ હોટલ માલીક સામે અને લાલો ભાણો જાતે અનુ.જાતિ રહે. દલીતવાસ ચુડા, જયેશભાઈ માહહનભાઈ બાર જાતે રબારી રહે. ચુડા હાર્દીકભાઈ જયેભાઈ બાર જાતે રબારી રહે. ચુડા શૈલેષભાઈ ડાયાભાઈ રબારી રહે. ચુડા ચિરાગભાઈ બાબુભાઈ બ્રાહ્મણ રહે. ચુડા સામે ફરીયાદ થયેલ હતી. ઉપરોકત બન્ને ગુનાઓ સ્થળ પર જ દાખલ થતા અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો. અધિ. હરેશકુમાર દૂધાત, સદરહું ગુનાના કામે સંડોવાયેલા તમામ વ્યાજખોરોને તાત્કાલિક પકડી લેવા સી.પી. મુંધવા, ના.પો.અધિ. લીંબડી ડીવી.ને સુચના કરી હતી.
જેથી તાત્કાલીક લીંબડી ડીવી.ના અધિ.-કર્મચારીઓની ટીમ બનાવી બન્ને ગુનાના આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કરતા ચુડા પો.સ્ટે.ના ગુનામાં સંડોવાયેલા વ્યાજખોરો પૈકી હાર્દિકભાઈ અને ચિરાગભાઈ ઝડપાઈ ગયા હતા. ઉપરોકત બન્નેને તત્કાલીક ઝડપી લઈ મજકુર આરોપીની સઘન પુછપરછ ચાલુ છે. તેમજ ગુનાના કામે અટક કરવાની તજવીજ ચાલુ છે.
આમ અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો.અધિ. હરેશકુમાર દૂધાત દ્વારા તેમજ સી.પી. મુંધવા, ના.પો.અધિ. લીંબડી ડીવી.ની તેમજ લીંબડી ડીવી.ના તમામ અધિકારીની હાજરીમાં ચોટીલા ખાતે યોજવામાં આવેલા "એક તક પોલીસ"ને કાર્યક્રમમાં વ્યાજના બોજ હેઠળ દબાયેલા સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવા લોક દરબાર યોજેલો હોય, જે લોક દરબારમાં નાગરિકોની ફરિયાદને આધારે તાત્કાલિક 2 ગુન્હાઓ કુલ 6 વ્યાજખોરો વિરૂધ્ધ નોંધી તાત્કાલીક 2 વ્યાજખોરોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.