એરંડા ચોર ઝડપાયા:સુરેન્દ્રનગરના કારેલા, જસાપર અને ઇંગરોળી ગામના ખેતરોમાંથી એરંડાની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે દબોચ્યા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકાના ત્રણ ગામોમાં રાત્રીના સમયે ખેતરોમાંથી લાખ્ખો રૂા.ના એરંડા ચોરી જનારા ચાર શખ્સોની ગેંગના બે શખ્સોને એલ.સી.બી.પોલીસે રૂા.49,000 રોકડ સાથે ઝડપી લઈને સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકાના જસાપર, અંકેવાળીયા અને કારેલા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી પંદર-વીસ દિવસ પહેલા રાત્રીના સમયે અજાણ્યા શખ્સો લાખ્ખો રૂા.ના એરંડા ચોરી ગયાના બનાવો બન્યા હતા. આ બનાવોને પગલે એલ.સી.બી. પોલીસે ઉંડી તપાસ હાથ ધરીને ગેડીયાના નસીબખાન હુશેનખાન જતમલેક અને ઝેઝરી ગામના સોહીલખાન અજીતખાન જતમલેકને ચોરીના એરંડાના વેચાણથી મળેલા રૂા.49,000 સાથે ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સોની પુછપરછમાં તેમની સાથે એરંડા ચોરીમાં ઈંગરોળી ગામનો સિરાજખાન રહીમખાન જતમલેક અને માલવણ ગામના અબ્દુલખાન દીલાવરખાન જતમલેક સામેલ હોવાનું બહાર આવ્યું હતુ.

એવું પણ બહાર આવેલુ છે કે, એરંડા ચોરીમાં સિરાજખાનની યુટીલીટીનો ઉપયોગ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સિરાજખાન મલેક ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો. જે પેરોલ મેળવીને ફરાર થયેલો હોવાનું જાણવા મળે છે. પોલીસે એરંડા ચોરીના અન્ય બે આરોપીઓ સિરાજખાન અને અબ્દુલખાનને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...