પાટડી નગરની મુખ્ય બજારમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે વેપારી શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પાટડી પોલીસે બાતમીના આધારે આ બંને શખ્સો પાસેથી ચાઇનીઝ દોરીની 21 ફીરકીઓ સાથે રૂ. 1500નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની સુચનાથી પોલીસ વિભાગે જિલ્લામા ચાલતા ચાઈનીઝ દોરી તથા માંઝાઓના વેંચાણ ઉપર પ્રતિબંધના જાહેરનામાની કડક અમલવારી હાથ ધરી છે. ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન અને સૂચનાથી પાટડી પીએસઆઇ ડી.એલ.પરમાર અને સાગરભાઇ ખાંભલા, સુખદેવસિંહ અને મહિપતભાઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડીની મુખ્ય બજારમાં ચાઇનીઝ દોરી અંગેનો દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં પાટડીની મુખ્ય બજારમાં ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ સ્કાય લેન્ટર્ન અને કાચ પાયેલા માઝા, પ્લાસ્ટિકની દોરી વિગેરે પ્રતિબંધિત દોરી અંગે જાહેરનામા અંગે અચાનક દરોડો પાડી મિતેષકુમાર ઘનશ્યામભાઇ પુજારા પાસેથી પ્લાસ્ટિક દોરીની નાની મોટી ફીરકી નંગ- 11, કિંમત રૂ. 600નો મુદામાલ અને અનીલભાઇ જીવણભાઇ ઠક્કર પાસેથી પ્લાસ્ટિક દોરીની નાની મોટી ફીરકી નંગ- 10, કિંમત રૂ. 900 મળી કુલ રૂ. 1500ના મુદામાલ સાથે 21 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝબ્બે કરી બંને શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ડી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.