લૂંટારૂઓ ઝડપાયા:પાટડી-બામણવા રોડ પર વેપારી પર મરચાની ભૂકી નાંખી 85 હજારના મુદ્દામાલની લૂંટ કરનાર 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ લૂંટ કેસમાં બજાણાનો એક અને અમદાવાદના બે આરોપીઓને ઝડપી 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી વેપારી પાસેથી રૂ. 85,000ના મુદ્દામાલની લૂંટની ઘટનાથી ચકચાર મચી હતી. ત્યારે સુરેન્દ્રનગર એલસીબીએ આ લૂંટ કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બજાણાનો એક આરોપી અને અમદાવાદના બે આરોપીઓને રૂ. 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.

મોટરસાયકલ આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી
પાટડીના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા પાટડી જીન રોડ પર આશિર્વાદ હોટલ પાસે ચાની હોટલ ચલાવે છે. તેઓ દુકાન રાજી કરીને તેઓ રોકડા, ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલો લઇને મોટરસાયકલ પર બામણવા પોતાના ઘેર જઇ રહ્યાં હતા. ત્યારે બામણવા પાસે વિષ્ણુભાઇ ગોરધનભાઇ ઠાકોરના ખેતર પાસે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હરદિપસિંહ વાઘેલાનું મોટરસાયકલ આંતરીને એમની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી.

થેલાની લૂંટ કરીને ફરાર થઈ ગયા
આ દરમિયાન મોટરસાયકલની પાછળ બેઠેલા શખ્સે હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા પર છરી વડે હુમલો કરવા જતા હરદિપસિંહે છરી પકડી લેતા બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઇ હતી. બાદમાં બંને અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા હરદિપસિંહ રોડ નીચે ગટરમાં પડી ગયા હતા. એવામાં એમનો મોબાઇલ પડી ગયો હતો. બાદમાં આ બંને અજાણ્યા શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઇ રૂ. 80,000 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. 85,000ના મુદામાલ અને ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલાની લૂંટ કરીને મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા.
સુરેન્દ્રનગર એલસીબીએ વિવિધ વિસ્તારના સીસીટીવી ફુટેજ, ઇગુજકોપ સોફ્ટવેર મારફતે શંકાસ્પદ ઇસમો બાબતે માહિતી મેળવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી પાટડીના બજાણા ગામના અસ્લમ રૂસ્તમ માકડા લંઘાને ઝબ્બે કરી આગવી ઢબે પુછપરછ કરાતા ભાંગી પડેલા આરોપીએ અન્ય બે શખ્સો સાથે મળી રેકી કર્યા બાદ આરોપી આસીફ ઇકબાલ શેખ તથા નાશીર ફરીદખાન પઠાણે મોટરસાયકલ પર ફરીયાદી હરદિપસિંહ ઇન્દુભા વાઘેલાનો પીછો કરી બામણવા જતા રોડ પર અવાવરૂ જગ્યાએ મરચાની ભૂકી નાખી લોખંડના સળીયા વડે હુમલો કરી નાણા ભરેલા થેલાની લૂંટ કરીને અંધારામાં નાસી છૂટ્યા હતા.

પોલીસે લૂંટારૂઓને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો
સુરેન્દ્રનગર એલસીબીએ બજાણાના આરોપીને સાથે રાખી અમદાવાદ સરખેજ ફત્તેવાડી કેનાલ પાસે રહેતા આશીફ ઇકબાલ શેખ અને નાશીરખાન ફરીદખાન પઠાણને એમના રહેણાંક મકાનમાંથી ઝબ્બે કર્યા હતા. લૂંટેલા રૂ. 49,000 રોકડા અને મોબાઇલ નંગ-1, કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 50,000નો મુદામાલ પણ ઝબ્બે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...