હળવદ પંથકમાં છેલ્લા અઠવાડીયાથી ચોર, લૂંટારું અને સમડી ગેંગે હાહાકાર મચાવી પોલીસને રીતસર પડકાર ફેંકતા પોલીસે તસ્કરોને ઝબ્બે કરવા ખાસ વિશેષ ટીમની રચના કરી છે. જેમાં એલસીબી, એસઓજી અને હળવદ સ્થાનિક પોલીસના ચુનંદા જવાનો આજથી જ બાતમીદારોની મદદથી કામે લાગી ગયા છે. આજે શુક્રવારે હળવદ પોલીસે તાલુકાના તમામ સરપંચો સાથે પણ બેઠક યોજી પડકારજનક સ્થિતિમાં પ્રજાનો સહયોગ માંગ્યો છે.
હળવદ જીઆઇડીસીની દુર્ઘટના બાદ હળવદ તાલુકો સતત ચર્ચામાં રહ્યો છે. ઘરફોડ ચોરીની ઉપરા છાપરી ઘટનાઓ બાદ એક સાથે પાંચેક કારખાનામાં ત્રાટકેલી લૂંટારું ગેંગે આંતક મચાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાં નિંદ્રાધીન સગીરાનો ચોટલો કાપી જવાની ઘટના અને એ જ દિવસની સાંજે હળવદમાં વેપારી એવા બે સગાભાઈઓના ઘરમાં લાખોની ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. ઉપરાંત કવાડિયા ગામે ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ઉઠાવી જતાં આ તસ્કર ગેંગને ઝબ્બે કરવા જિલ્લા પોલીસવડાની સૂચનાથી ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
વધુમાં આજે હળવદ પોલીસ મથક ખાતે તાલુકાના તમામ ગામોના સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજી પોલીસ ટીમ દ્વારા તસ્કરોને ઝબ્બે કરવા પ્રજાજનોને જાગૃત બની સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. તેમજ શંકાસ્પદ ઈસમો જોવા મળ્યે તાકીદે પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો. વિશેષમાં આજે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી હળવદ તાલુકામાં તસ્કરોને ઝબ્બે કરવા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના ચુનંદા જવાનોની વિશેષ ટીમ બનાવી આજથી જ કામે લગાડવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હળવદ તાલુકાના યુવાનોને પણ જાગૃત રહી પોલીસને મદદરૂપ થવા અનુરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.